ખંડણી કેસનો આરોપી અફરોઝ અન્સારી જામીન મુક્ત કરાય


આરોપીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ગાંધીધામની કોર્ટમાં રજુ કર્યો હતો

ગાંધીધામ. કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનના વેપારી અને ગાંધીધામના મુસ્લીમ અગ્રણીને મારી નાખવાની ધમકી આપનાર હત્યા અને ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અફરોઝ અન્સારીને પોલીસે 14 દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો જેમાં કોર્ટે તમામ દલીલો સાંભળી આરોપીએ કરેલી જામીન અરજી મંજુર કરી જામીન મુક્ત કર્યો હતો.

કાસેઝના વેપારી રફિક બારાને અને તેના પરિવારને જો ખંડણી નહીં આપે તો મારી નાખવાની ધમકી અપાઇ હોવાની તેમજ ગાંધીધામના મુસ્લીમ અગ્રણી જુમ્માભાઇ રાયમાને પણ મારી નાખવાની ધમકી આપનાર અફરોઝને મે મહિનાના અંતમાં પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસે હરિયાણાના પાણીપતથી પકડી લીધો હતો. આ આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે પોલીસે કોર્ટમાં રજુ કર્યો હતો સામે અફરોઝ અન્સારીએ પણ જામીન માટે અરજી કરી હતી.કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અફરોઝ અન્સારીને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અફરોઝ અન્સારી અગાઉ સચિન ધવનની હત્યા અને ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલો છે.

Comments