આદિપુર/ ટીમ્બર કંપનીના મેનેજર સ્યુસાઇડ નોટ લખી ગૂમ

હું ખૂબ ડિપ્રેશનમાં છું , મારા મોતનો હું જ જવાબદાર છું’ લખી ગુમ થતાં ચકચાર, પોલીસની શોધખોળ ચાલુ 

ગાંધીધામ. લોકડાઉન બાદ અનેક નાની મોટી કંપનીઓની અને ધંધાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની હાલત કફોડી થતાં લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. આદિપુરમાં ચાર મહિના ધંધો બંધ રહ્યા બાદ અનલોક 1 માં આર્થિક સંકડામણ અને પરિવારના ચાર સભ્યોની જવાબદારીને કારણે એક કપડાના વેપારીએ પોતાની દુકાનમાં જ ગળે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના સહિત હાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો વચ્ચે આદિપુર નજીક શર્મા રિસોર્ટના બંગલોઝમાં રહેતો ટીમ્બર કંપનીનો મેનેજર હું ખૂબ ડિપ્રેશનમાં છું , મારા મોત માટે હું જ જવાબદાર છું એવી સ્યુસાઇડ નોટ લખી ગઇ કાલથી ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે આદિપુર પોલીસના પીએસઓ ધર્મેન્દ્રસીંહ જાડેજાએ મેઘપર બોરીચી પાસે આવેલી આર.કે. લુમ્બર્સ ટીમ્બર કંપનીના કર્મચારી દિપકકુમાર શ્રીરામાનંદ ઠાકુરે નોંધાવેલી ગુમનોંધના આધારે વિગતો આપી હતી કે, તેમની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને આદિપુર નજીક શર્મા રિસોર્ટના બંગલો નંબર 103 માં રહેતા 40 વર્ષીય સૌરભ સતિષકુમાર સહાની ગત બપોરે હું ખૂબ જ ડિપ્રેશનમાં છું, મારા મોત માટે હું જ જવાબદાર છું એ પ્રકારની સ્યુસાઇડ નોટ લખી ગુમ થઇ ગયા છે.

ગત બપોરે ગુમ થયા બાદ તેમનો કોઇ અત્તોપત્તો નથી ત્યારે હાલ પોલીસે પણ સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલા સૌરભની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે કંપનીના માલિક પ્રિતમજીનો સંપર્ક કર્યો તો તેઓ ખુદ હાલે સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સૈત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે તેઓ અંગત રીતે ડિપ્રેશનમાં હતા ત્યારે હવે કોઇ સગડ મળે ત્યારે સાચી હકિકત બહાર આવી શકે બાકી હાલ તો આ પ્રકારે સ્યુસાઇડ નોટ લખીને ગુમ થનાર યુવાન નોકરિયાતે ચકચાર મચાવી છે. આ બનાવને લઇ અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે.

100ના બંડલ નીચે દબાવેલી સ્યુસાઇડ નોટ
40 વર્ષીય ટીમ્બર કંપનીના મેનેજર સૌરભ સહાની જે સ્યુસાઇડ નોટ લખી છે તે રૂ.100 ની નોટોના પાંચ બંડલ નીચે દબાવેલી છે ત્યારે આર્થીક મુદ્દો આ ડિપ્રેશન પાછળ કારણભુત છે કે પારિવારિક કારણો છે એ તો તપાસનો વિષય છે. હાલ પોલીસે આ સ્યૂસાઇડ નોટ લખીને ગુમ થનાર મેનેજરને શોધવા તપાસ ચક્રો ગતિમાન કર્યા છે

Comments