હાશ સોમવારથી કચ્છના 200 રૂટ પર ખાનગી બસ દોડતી થશે
ભુજ. લોકડાઉનમાં ત્રણ મહિનાથી વધુ સમય માટે બંધ રહેલી ખાનગી બસ સોમવારથી જિલ્લાના 200થી 250 જેટલા રૂટ પર દોડતી થશે. પ્રારંભિક તબક્કે અજમાયશી ધોરણે 15 દિવસ સુધી ચાલુ થનારી ખાનગી બસ સેવામાં 60 ટકા પેસેન્જર સાથે સામાજિક અંતરનું પાલન કરાશે.
60 ટકા પેસેન્જર સાથે સામાજિક અંતરનું પાલન
કાતિલ કોરોનાના પગલે એસ.ટી. તેમજ ખાનગી ટ્રાવેલ્સ સેવા બંધ કરાઇ હતી, જે લાંબો સમય બંધ રહ્યા બાદ સરકારે શરતોને આધિન બંને સેવાઓ શરૂ કરવાની છૂટ આપી હતી. શરતો મુજબ 60 ટકા જ પેસેન્જરની અવર-જવરની છૂટ અપાઇ હતી, જેથી કચ્છમાં વર્માનગર, માંડવી, ગઢશીશા અને નલિયાના રૂટ પર ખાનગી બસ સેવા શરૂ કરાઇ હતી. પૂરતા પ્રમાણમાં એસ.ટી.ની સેવા ચાલુ નથી કરાઇ, જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર માટે જિલ્લા મથકે આવવા તેમજ દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે દરરોજ અપડાઉન કરતા પેસેન્જરો દ્વારા પણ ખાનગી બસ સેવા શરૂ કરવા રજૂઆતો મળી હતી, જેથી સોમવારથી જિલ્લાના તમામ તાલુકામાં ખાનગી બસ સેવા અજમાયશી ધોરણે 15 દિવસ માટે શરૂ કરાશે. બસને સેનેટાઇઝ કરવાની સાથે પેસેન્જરનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત લોકડાઉનની ગાઇડલાઇનનું ચુસ્તપણે અમલ કરવામાં આવનાર હોવાનું કચ્છ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ડિઝલના ભાવ વધતાં ભાડામાં બેથી અઢી ટકાનો વધારો : આમ લોકો માટે મુશ્કેલી
ખાનગી મીનીબસના ભાડામાં વધારો થવાનો હોવાથી આમ લોકો માટે મુશ્કેલી સર્જાશે. તાજેતરમાં સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો કરાયો છે, જેને લઇને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ શરૂ થનારી ખાનગી બસ સેવાના ભાડામાં ડિઝલના ભાવ વધારા મુજબ બેથી અઢી ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું પ્રમુખ જાડેજાએ જણાવ્યું હતું.
સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાય : પ્રમુખ
કચ્છમાં લોકડાઉન દરમ્યાન ખાનગી ટ્રાવેલ્સનો વ્યવસાય પડી ભાંગ્યો છે. જે લોકોએ લોન પર વાહનો વસાવ્યા છે તેમને સરકારે હાલે વ્યાજ ભરવામાંથી મુક્તિ આપી છે પરંતુ પછી પણ વ્યાજની રકમ ચુકવવી તો પડશે જ. ટ્રાવેલ્સ વ્યવસાયને બેઠો કરવા માટે સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરાય તેવી માગ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા ઉઠી રહી હોવાનું
એસો. પ્રમુખ જાડેજાએ જણાવ્યું હતું.
Comments
Post a Comment