બંદુક પ્રકરણમાં ATSએ LCB પાસેથી તરૂણનો કબજો લીધો


  • બંદુક પ્રકરણમાં ATSએ LCB પાસેથી તરૂણનો કબજો લીધો

  •  ડિલર મુખ્ય આરોપી : રાજયમાં અનેક લોકોને ગેરકાયદે ગન વહેંચી
  • કેસની તપાસ હવે ATS સંભાળશે : વધુ કડાકા ભડાકાની સંભાવના


ભુજ. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ભુજ એલસીબીની ટીમે ધરપકડ કરેલા અમદાવાદના ગન શોપ સંચાલકની પુછતાછ પરથી રાજયવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ડિલર તરૂણ ગુપ્તાએ રાજયમાં અનેક લોકોને ગેરકાયદે ગન વહેંચી હોવાથી તેને હવે આ કેસનો મુખ્ય આરોપી દર્શાવાયો છે. એટીએસની ટુકડીએ રવિવારે એલસીબી પાસેથી તરૂણ ગુપ્તાનો કબજો લીધો હોવાનું જાણવા મળેલ છે. તો હવે કેસની તપાસ પણ એટીએસ હાથ ધરશે.

પશ્ચિમ કચ્છ એલસીબીની ટુકડીએ ઢેલનો શિકાર કરી પરત ફરી રહેલા બે શખ્સોને પકડયા બાદ અમદાવાદના ગન શોપના સંચાલક તરૂણ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું. એલસીબીની ટુકડીએ તેની ધરપકડ કરી કચ્છમાં તેમજ અન્ય કેટલા લોકોને ગન ગેરકાયદે વહેંચી છે તેની માહિતી ઓકાવી હતી. જે માહિતી એટીએસને સોંપવામાં આવી હતી. શનિવારે એટીએસની ટુકડીએ તે માહિતી પરથી સપાટો બોલાવી 80 લાખના હથિયારો સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયાર કબજે કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓને ગન શોપના માલિક તરૂણ ગુપ્તાએ ગેરકાયદે ગન વહેંચી હોવાથી ભુજ એલસીબી પાસે 24મી સુધી રીમાન્ડ પર રહેલા તરૂણ ગુપ્તાનો હવાલો રવિવારે મેળવ્યો હતો.

ભુજ, કચ્છ કે રાજયભરમાં તમામને ગેરકાયદે ગન આપનાર તરૂણ પટેલ મુખ્ય આરોપી હોવાથી એટીએસની ટુકડીએ તેનો હવાલો લઇ અનેક વિગતો ઓકાવવા પ્રયાસ શરૂ કર્યો છે. તો હવે બંદુક પ્રકરણની તપાસ પણ એટીએસની ટીમ સંભાળશે.

કચ્છના અનેક લોકોને ઉઠાવાય તેવા સંકેત
અમદાવાદના ડિલર તરૂણ ગુપ્તાએ અકરમ શિકારીને જેટલી બંદુક વેંચી હતી તેની માહિતી એલસીબીએ ઓકાવી ધરપકડ કરી જેલહવાલે કરી દીધા હતા. બીજી બાજુ તરૂણે અકરમ સિવાય કચ્છમાં અન્ય લોકોને પણ બંદુક વેંચી હોવાનું સુત્રોમાંથી જાણવા મળતા આવનારા બે-ચાર દિવસોમાં કચ્છના અનેક લોકોને એટીએસની ટીમ ઉઠાવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે.

Comments