જામનગરમાં કરણી સેના મેદાનમાં, મોરારીબાપુએ શ્રીકૃષ્ણ પર વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ ખફા

કથાકાર મોરારીદાસ હરિયાણીએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કરેલી અશોભનીય ટીકા-ટીપ્પણીથી ક્ષત્રીય સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાવીને બુધવારે જામનગરમાં કરણીસેનાએ કલેકટરને આવેદનપત્ર આપીને કાયદાકીય પગલા લેવાની માંગણી કરી છે.

સોશિયલ મીડીયામાં એક કથાના જુના વિડીયોમાં કથાકાર મોરારીદાસ હરિયાણી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચર્ચા કરતા હતાં. તેમાં તેઓ એવું કહે છે કે, ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ સ્થાપના માટે જન્મ લીધો હતો પરંતુ તેઓ દ્વારિકામાં ધર્મ સ્થાપના કરી શક્યા ન હતા કારણ કે તેમના દિકરાઓ તથા તેમના ભાઈ બલરામજી દારૂનું સેવન કરતા હતાં અને કોઈ કારણોસર ના મળે તો ચોરી કરીને પણ દારૂનું સેવન કરતા હતાં. આવી ખોટી ટીકા/ટીપ્પણી કરીને સમસ્ત ક્ષત્રીય સમાજની લાગણીને ઠેસ પહોચાડી છે. કારણ કે અમો ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છીએ. જેથી મોરારી બાપુ સામે પગલા લેવાની માંગણી કરી છે.

અનેક વખત બાપુ વિવાદોમાં..

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુના નીલકંઠને લઇને આપેલા નિવેદન બાદ રાજકારણ બરાબરનું ગરમાયેલ છે. આ પહેલા નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારીબાપુ બરાબરના ફસાયા હતા. મોરારીબાપુએ નિવેદન આપીને સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાઇ હતી. નીલકંઠ મામલે મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલ સ્વામી બાદ કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ મોરારીબાપુને આડે હાથ લીધા હતા.

તમને જણાવી દઇએ કે, મોરારીબાપુએ કોઇ સભામાં સંબોધતા તેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતા વડતાલ સંસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ભગવાન સ્વામિનારાયણના નિલકંઠ મહારાજ વિશે ઉચ્ચારેલા શબ્દો પરત ખેચવા અને સંપ્રાદાયની માફી માંગવાનું જણાવતા પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતાં.

Comments