અંજારમાં વિશ્વનું સૌપ્રથમ જીવંત નંદીમંદિર ખુલ્લું મુકાયું

નંદિશાળામાં જીવંત નંદીના દર્શનનો લાભ લેવા ભક્તોને અપીલ કરાઈ
સંવેદના ગ્રુપ દ્વારા વિશ્વની સૌ પ્રથમ નંદિશાળા ખોલવામાં આવી હતી. જે નંદિશાળાના વિકાસની સાથે તેમાં નંદી મંદિર બનાવવામાં આવે તેવી ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવતા આ નંદિશાળામાં આજે વાજતે ગાજતે જીવંત નંદિની પધરામણી કરવામાં આવી હતી.
સંવેદના ગ્રુપના પ્રમુખ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકામદાસજી મહારાજ દ્વારા આજે કેરા ગામેથી કાંકરેજ નસલનો પ્રૌઢ નંદી આજે અંજાર વિડી રોડ પર આવેલ રોટરી નગર સામેની વિશ્વની સૌ પ્રથમ નંદિશાળામાં લાવવામાં આવ્યો હતો. જ્યાં નિર્મિત વિશ્વના પ્રથમ જીવંત નંદી મંદિરમાં તેની પૂજા અર્ચના કર્યા બાદ પધરામણી કરવામાં આવી હતી. મહંત ત્રિકામદાસજીના જણાવ્યા અનુસાર જેમ ગૌ માતાની પૂજાનું મહત્વ છે તેવી જ રીતે નંદી ભગવાનની પૂજાનું પણ અનેરું મહત્વ જેથી લોકો અંજારની નંદિશાળાની મુલાકતની સાથે આ જીવંત નંદી મંદિરની પણ મુલાકાત લે અને જીવંત નંદિની પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરે તેવી અપીલ પણ તેમણે કરી હતી. આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર ઉપરાંત બી.જે.પી. શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, રણછોડ વાસણભાઇ આહીર, ગોપાલ માતા, લવજી સોરઠીયા, શીરિષ હરિયા વગેરે તેમજ સંવેદના ગ્રુપના ગોવાળિયાઓ ઉપરાંત શહેરીજનો હાજર રહ્યા હતા.




Comments