અમદાવાદ ભાડાની કાર ગીરવે મૂકવાનું કૌભાંડઃ સેટેલાઈટ પીઆઈ દરજી તો ગયા, સાથે-સાથે સાયબર ક્રાઇમનો કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ
- કૌભાંડમાં વધુ પોલીસકર્મીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે
- આજે સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ મહેન્દ્ર ગઢવીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં
- આ મામલે સેટેલાઇટ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે
અમદાવાદ. શહેરની વોડાફોન કંપનીમાં અધિકારીઓ માટે કોન્ટ્રાક્ટ પર લકઝુરિયસ કારની જરૂર હોવાની લાલચ આપી ભાડે લેવાના બહાને કાર મેળવી ગીરવે મૂકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે સેટેલાઇટ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કૌભાંડમાં ગુનાહિત બેદરકારી દાખવવા બદલ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે આજે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ મહેન્દ્ર ગઢવીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ગુનાના મૂળ સુધી પહોચવા માટે એસીપી કક્ષાના અધિકારીને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. વધુ પોલીસકર્મીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.
પોલીસ કમિશનરે એસીપી દિવ્યા રવિયાને કેસની તપાસ સોંપી
ફરિયાદ અનુસાર, પાર્થ ઓડ (પાલડી)એ વાસણાની 9 અને સેટેલાઈટની 7 મળી કુલ 16 લકઝુરિયસ કાર વોડાફોન કંપનીમાં કોન્ટ્રાકટ છે તેમ જણાવી ગાડીઓ ભાડે ફેરવવાના બહાને માસિક તથા દૈનિક ભાડું આપવાની લાલચ આપી ગાડીઓ લીધી હતી. ત્યારબાદ ગુનાહિત કાવતરૂ રચીને તમામ કાર ભરતસિંહ સોલંકી (રહે. મોડાસર તા.સાણંદ), અને કૌશલસિંહ ગોહીલ (રહે.અમદાવાદ)ને ગીરવે આપી દીધી હતી. આ તરફ ગાડીઓ નહીં મળતાં માલિકોએ લોકેશન ટ્રેસ કરાવતા તેમનાં વાહનો ગીરવે લેનારાઓ પાસે હતા અને એક બનાવમાં તો કારના માલિકોને માર મારી ભગાડી મૂકવામાં આવ્યા હતા. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરાતા સેટેલાઈટ પીઆઈ પી.ડી. દરજીની ગુનાહિત બેદરકારી સામે આવી હતી. આથી તેમને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી એસીપી દિવ્યા રવિયાને કેસની તપાસ સોંપી છે.
Comments
Post a Comment