કાસેઝ પ્રશાસન પર આક્ષેપ બાદ આત્મવિલોપનની ચીમકી આપનાર રફીક બારાની ધરપકડ

હે. કાસેઝ પ્રશાસન પર આક્ષેપ બાદ આત્મવિલોપનની ચીમકી આપનાર રફીક બારાની ધરપકડ

કાસેઝ પ્રશાસન પર વિવિધ રીતના કનડગતના આક્ષેપ બાદ આજે તા. ૧૦/૬ ના રોજ કાસેઝના મુખ્ય દ્વારની સામે જ આત્મવિલોપનની ચીમકી આપનાર બહુચર્ચીત વેપારી રફીક લાલમહોમ્મદ બારાની આજે બી-ડિવિઝન પોલીસે વહેલી સવારે જ ધરપકડ કરી, તેની ચીમકી નાકામયાબ બનાવી દીધી હતી. તાજેતરમાં જ આ વેપારીએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને હરિયાણાના ગેંગસ્ટર અને અગાઉ હત્યાના ગુનામાં સપડાયેલા અફરોઝ અંસારી વિરૂધ્ધ ખંડણી માગવા સબબની ફરિયાદ આપી હતી જેના સમર્થનમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં કોંગી અગ્રણી હાજી જુમા રાયમાએ પણ આ મામલામાં દખલઅંદાજી ન કરવા સબબ મળતી ધમકીઓ બાબતે ફરિયાદ આપી હતી. આ બન્ને ફરિયાદો આરોપીની ધરપકડ સુધી માત્ર નંબર આપીને ઓનલાઈન પોર્ટલ પર બ્લેન્ક (અન્ય વિગતો ન દર્શાવીને કોરી) રાખવામાં આવી હતી જેણે કૌતુક સર્જ્યું હતું પરંતુ બાદમાં ફિલ્મી સ્ટાઈલમાં પૂર્વ કચ્છ પોલીસની ઝાંબાજ ટીમે હરિયાણાના પાણીપત ખાતેથી અફરોઝને ઝડપી પાડ્યા બાદ પોલીસે એસપી રાઠોડની અધ્યક્ષતામાં મીડિયા સમક્ષ આ બાબતનો ખુલાસો આપ્યો હતો. 
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, યુવા ઉદ્યોગપતિ મૃત્યુંજય ઉર્ફે સચિન ધવનની હત્યા બાદ શંકાસ્પદોના લીસ્ટમાં આ કથિત રફિક લાલમહોમ્મદ બારાને પણ પુછપરછના પરીઘમાં લેવામાં આવ્યો હતો અને સુત્રો અનુસાર તેના પર પણ નાણાં વસુલવાનો અને અન્ય કામોમાં ગેગસ્ટરોને સહાય આપવાનો પણ અગાઉ આક્ષેપ ઉઠી ચુક્યા છે. કાસેઝ તંત્ર દ્વારા તેને વિવિધ મુદે હેરાનગતી કરાતી હોવાની લેખિત પત્ર દ્વારા તેણે વિવિધ માધ્યમો અને સ્વંય તંત્રને જાણ કરી હતી અને આજે સવારે એટલે કે ૧૦/૬ ના રોજ ૧૧ વાગ્યે કાસેઝના મુખ્ય ગેટની સામે આત્મવિલોપનની અંતિમ કહેવાયેલી ચેતવણી આપી હતી પરંતુ તે આવું કોઈ પગલું ભરે એથી પહેલાં જ તેને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અટકાયતમાં લઈ કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકાવી દીધો હતો. આ ધરપકડના પગલે રફીક બારાનો પ્રયાસ નિષ્ફળ બનતાં કાસેઝ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

Comments