કોરોનાનો કહેર રાજસ્થાન સરકારે સરહદો સીલ કરતા રતનપુર બોર્ડર પર અવરજવર માટે પાસ જરૂરી બન્યા
- ગુજરાતને અડીને આવેલી સરહદો પર રાજસ્થાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો
- બોર્ડરો પર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ખડકી દેવામાં આવ્યા
ડુંગરપુર પોલીસે શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર સહિત અન્ય સરહદો સીલ કરી દેતા રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયથી રાજસ્થાનની બહાર ગયેલા અને રાજસ્થાનમાં પ્રવેશેલા લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે.
અઠવાડિયા સુધી બોર્ડર સીલ રહેશે
કોરોનાના વધતા ચેપને કારણે રાજસ્થાન સરકારે 7 દિવસ માટે બોર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકારના આદેશ મુજબ બહારના રાજ્યોથી આવતા લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. એક માત્ર પાસ દ્વારા જ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકાશે. તબીબી ઇમરજન્સીના કિસ્સામાં કલેક્ટર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવશે તો જ રાજ્ય બહાર જવા મળશે. ગુજરાતને અડીને આવેલી સરહદો પર રાજસ્થાન પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ અધિકારીઓ અને પોલીસકર્મીઓને ખડકી દેવામાં આવ્યા છે.મુસાફરોએ રાજસ્થાન સરકારના પ્રવેશપત્ર મેળવીને જ મુસાફરી કરવી
રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે, રાજસ્થાનમાં રોડથી પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને રાજસ્થાન જનારા લોકોને અપીલ છે કે, રાજસ્થાન સરકારના સંબધિત અધિકારી અથવા કલેક્ટર પાસેથી પ્રવેશપત્ર મેળવ્યા પછી જ મુસાફરી કરવાની રહેશે. રાજસ્થાન સરકારે બોર્ડરો સીલ કરી દેતા રાજસ્થાન જનારાઓને અવરજવર માટેની મંજૂરી આપવાનું ગુજરાત સરકારે બંધ કરી દીધું છે.કોરોનાના કેસો વધતા નિર્ણય
રાજસ્થાનમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11 હજારને વટાવી દીધો છે, જેમાં કોરોનાના કારણે 256 લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝિટિવ કેસ વધતા રાજસ્થાન સરકારે 7 દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની સીમાઓ અડે છે. ગુજરાતને અડીને આવેલી રાજસ્થાન રાજ્યને જોડાતી તમામ સરહદો સીલ કરવા પોલીસતંત્રએ ગતિવિધિ તેજ કરી દીધી છે.
Comments
Post a Comment