સુપ્રીમ કોર્ટના આદેશને પગલે વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા બંધ રાખવાનો નિર્ણય, 38 વર્ષમાં પહેલીવાર રથયાત્રા નહીં નીકળે
પ્રતિબંધ. હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસના પગલે સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર પ્રતિબંધ મુક્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વડોદરામાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા 38 વર્ષમાં પહેલીવાર રથયાત્રા નીકળશે નહીં
ઇસ્કોન મંદિરના સ્વામીએ કહે છે કે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકતા રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કર્યો છે
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથ, બલરામજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ, આ વખતે કોરોના વાઈરસની મહામારીના પગલે સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મુકતા વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરાના ઇસ્કોન મંદિરમાં રથયાત્રા માટે રથ તૈયાર થઇ ગયો હતો
ઇસ્કોન મંદિર દ્વારા 23 જૂન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા કાઢવા માટે નીજ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ભગવાન માટે પ્રતિ વર્ષ જેમ આ વર્ષે પણ રથ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. આ સાથે રથયાત્રા સંબધિત તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની રથયાત્રા સહિત દેશના વિવિધ શહેરોમાં નીકળતી તમામ રથયાત્રાઓ ઉપર પ્રતિબંધ મુકી દેતા વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે નહીં.
રથયાત્રા નહીં નીકળવાના સમાચારથી શ્રદ્ધાળુઓ નિરાશ
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. પરંતુ, કોરોના વાઈરસની મહામારીના કારણે રથયાત્રા નીકળવાની નથી. તેવા સમાચાર વડોદરા શહેરમાં પ્રસરી જતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઇ છે.
Comments
Post a Comment