જુણામાં પોલીસ ટુકડી પર 100થી વધુના ટોળાનો હુમલો : પીએસઆઇ સહિત છ કર્મચારી ઘાયલ
ભુજ. પચ્છમના જુણા ગામે ગેરકાયદેસર રેતી ચોરીના ટ્રેકટર અટકાવા મુદે પોલીસ ટુકડી સાથે બબાલ થયા બાદ 100થી 150 લોકોના ટોળાએ ઘાતક હુમલો કરતાં ખાવડા પીએસઆઇ વાય.પી.જાડેજા સહિત 6 પોલીસને ઇજા પહોંચી હતી. જેમાં ફોજદારને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મી ઘાયલ થતાં ભુજ રિફર કરાયા હતા. બનાવને પગલે ખાવડાસામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પશ્ચિમ કચ્છના એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.
ફોજદારને ગંભીર ઇજા, ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજ ખસેડાયા
સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગેરકાયદેસર રેતી કાઢીને આવેલા ટ્રેકટરને પકડવા જતાં ટ્રેકટર માલિક સુલેમાન સાધક નામના શખ્સે ટ્રેકટર પોતાનું હોવાથી ફરિયાદ પણ તેમની સામે કરો તેવું પોલીસ કર્મચારીઓને ક્હયું હતું, બાદમાં બોલાચાલી વધી જતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં 100થી 150 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. પીએસઆઇને ટોળામાંથી કોઇએ માથાના ભાગે ધોકો ફટકાર્યો હતો તેમજ અન્ય પાંચ કર્મચારીઓને પણ ગંભીર ઇજા પહોંચાડાઇ હોવાનું બહાર આવી રહયું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જે પૈકી બે કર્મચારીઓને સામન્ય ઇજા હોઇ રજા અપાઇ હતી. જ્યારે પીએસઆઇ વાય.પી.જાડેજા, મહિપતસિંહ વાઘેલા, માણેકભાઇ ગઢવી, કેસરાભાઇ ચૌધરી સહિત ચાર જણાઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા.બનાવને પગલે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા, ડીવાએસપી જે.એમ.ચંચાલ સહિતના પોલીસ અધિકારીઓની ટીમ ખાવડા ખાતે દોડી ગઇ હતી. તો ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા પોલીસોની પુચ્છા કરવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ગુરવાણી તથા અન્ય અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘાતક હુમલાથી આ ઘટનાથી ભારે ચકચાર મચી છે.
હુમલાની ગંભીરતા જોઇ એસપી, ડીવાયએસપી જુણા ધસી ગયા
પોલીસ અધિકારી સહિત છ-છ જણાઓ પર 100થી વધુ લોકોના હુમલાના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ મોડી રાત્રે જણા ગામે પહોંચ્યા હતા. અને હુમલો કરનારાઓને સોધી અટકાયતી પગલા લેવા સહિતની કાર્યવાહી આરંભી હોવાના અહેવાલ મળી રહયા છે.
પચ્છમમાં રેતી ચોરીનું મોટુ નેટવર્ક
ખાવડા વિસ્તારમાં લાંબા સમયથી રેતી ચોરીનું દુષ્ણ વધ્યું છે, અનેક વખત પોલીસ દરોડા છતાં ખનિજચોરો બેફામ પણ ગેરકાયદે પ્રવૃતિઓ કરી રહ્યા છે, અગાઉ બી ડિવિઝન પોલીસે ટ્રેકટરો અને ડંપ્ચરનું પકડી રેતી ચોરીના નેટવર્કનો પર્દાફાસ કર્યો હતો. ખાવડા પોલીસ રેતી ભરેલા ટ્રેકટરને પકડવા જતાં લોકોએ પોલીસ પર કર્યો હુમલો.
Comments
Post a Comment