જૂનાગઢ બોર્ડમાં બઘડાટી ભાજપે જ ભાજપને ભીડવ્યું જૂનાગઢ નો વિકાસ ક્યારે?
- વિપક્ષની સાથે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ વિવિધ પ્રશ્ને તડાપીટ બોલાવી
- વેરા માફી, રોડના કામમાં ભ્રષ્ટાચાર
- બ્લેક લિસ્ટેડ એજન્સીને કામ આપવું સહિતના મુદ્દે રજૂઆત
જૂનાગઢ. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. બોર્ડમાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામોને તોડવામાં વ્હાલા દવલાની નિતી, બ્લેક લીસ્ટેડ એજન્સીને કામ આપવું, 19 એસઆઇને છૂટા કરવા તેમજ લોક ડાઉનના ધ્યાને લઇ વેરો માફ કરવા સહિતના મુદ્દે ભારે રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય બાબત એ રહિ હતી કે વિપક્ષની સાથે શાસકપક્ષ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પણ વિવિધ મુદ્દે ભાજપની જ બોડીને આડે હાથો લીધી હતી.
વેરા માફી માટે મતદાન કરાવ્યું
વિપક્ષીનેતા અદ્રેમાન પંજા, વિજય વોરા, મંજુલાબેન પરસાણાએ કોરોનાને લઇ પાણી, મિલ્કત વેરો માફ કરવા માંગ કરી મતદાન કરવા જણાવ્યું હતું. જોકે, ભાજપના કોર્પોરેટરોની સંખ્યા વધુ હોય વિપક્ષની તરફેણમાં માત્ર 4 જ મત પડ્યા હતા. આમ, બહુમતિના જોરે વેરો માફ કરવાની દરખાસ્ત ઉડી ગઇ હતી.
જર્જરિત બાંધકામોને વર્ષોથી માત્ર નોટીસ જ
એનસીપીના કોર્પોરેટર વિજયભાઇ વોરાએ જણાવ્યું હતું કે, 63થી વધુ જર્જરિત બાંધકામોને 25 વર્ષથી માત્ર નોટીસ જ અપાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે તોડી પડાતા નથી ? વળી બ્લકે લીસ્ટ એજન્સીને કામ કઇ રીતે અપાયું છે.
એમ્બ્યુલન્સની ખરીદી કરો
પૂર્વ ધારાસભ્ય અને ભાજપના કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે, મનપામાં એમ્બ્યુલન્સ કે શબવાહિતી નથી. જે હતી તે કોવિડમાં અપાઇ છે. ત્યારે બોર્ડ સર્વોપરી હોય સ્થાયી સમિતીને આદેશ આપી 10 થી 15 દિવસમાં જ એમ્બ્યુલન્સની ખરીદી કરો.
રોડ-રસ્તા, ગેરકાયદેસર બાંધકામ મુદ્દે તડાપીટ
ભાજપના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, યાર્ડ પાસેના રસ્તામાં પાણી ભરાઇ છે, યોગ્ય રીતે કામ થયું નથી. અધિકારીઓ સરકારી ભાષામાં ગોળગોળ જવાબ આપે છે. ડામરના રોડ તોડયા બાદ ડામરના બદલે સીસીનું પેચવર્ક કરાઇ છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામોમાં ગરીબોના ઝુપડા તરત હટાવી નંખાય છે, મોટા બાંધકામો સામે કાર્યવાહી થતી નથી. 260(2)ની નોટીસો આપી સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવાય છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય લાઇટ આપી ન શકો તો લાઇટ વેરો રદ કરવો જોઇએ. સ્ટેન્ડીંગમાં મંજૂૂરી પહેલા સ્વભંડોળના નાણાં વધારે વપરાઇ જાય છે. જો ભ્રષ્ટાચાર થયો તો અમે બધાને ખુલ્લા પાડીશું.
વોર્ડ વધ્યા, સફાઇ કામદાર ઘટ્યા
વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યું હતું કે, 20 માંથી 15 વોર્ડ કર્યા જેથી વોર્ડનું ક્ષેત્રફળ વધ્યું છે, પરંતુ સફાઇ કામદારો ઘડ્યા છે, જેથી સફાઇને લઇને દરરોજ માથાકૂટ થાય છે. પહેલા 30 થી 40 કર્મીથી પ્રિ મોન્સૂન કામગીરી થતી, હવે ગ્રાન્ટ લખી દઇએ તો પણ માણસો ફાળવતા નથી.
વિપક્ષી નેતા ધરણાં પર બેઠા
પાણીના પ્રશ્નને લઇને વિપક્ષી નેતા અદ્રેમાનભાઇ પંજા ચાલુ જનરલ બોર્ડમાં જ ઘરણાં પર બેસી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, 4 મહિના પહેલા ગ્રાન્ટ લખી આપી તો પણ સબ મર્સિબલ પમ્પ નથી લાવતા, સ્ટ્રીટ લાઇટો બંધ છે. આખરે યોગ્ય કરવાની ખાત્રી મળતા ઉભા થયા હતા.
સરકારે આપ્યું, તમે શું આપો છો ?
કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે, વેરા માફ કરવાના બદલે વ્યાજમાં 50 ટકા માફી આપો છો તો કોરોનામાં પણ વ્યાજ લઇ લેવું છે? રાજ્ય સરકારે 1400 કરોડનું પેકેજ આપ્યાનું મેયરે જણાવતા મંજુલાબેને પૂછ્યું હતું કે, સરકારે આપ્યું તમે શું રાહત આપો છો ? બોડીને સત્તા છે ત્યારે વેરા માફ કરવા જોઇએ.
વહિવટી તંત્રના વાંકે પાર્ટી બદનામ
શહેર ભાજપ પ્રમુખ શશીકાન્તભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે, વહિવટી તંત્રના વાંકે પાર્ટી બદનામ થાય છે. કમિશ્નરની વહિવટી તંત્ર પર પક્કડ નથી. જયશ્રી રોડ પર થતા કામમાં કોઇનું સુપર વિઝન નથી. યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તકના સ્થળોની સફાઇ કરતી એજન્સીના માણસો ચાલ્યા ગયા છે તો વોર્ડમાંથી મજૂરોને ઉપાડી લઇ અન્ય જગ્યાએ શા માટે મોકલો છો ? તેવો પણ સવાલ કર્યો હતો.
Comments
Post a Comment