સોમનાથ 8 જૂનથી પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના દ્વાર શ્રદ્ધાળુ માટે ખુલશે, 65 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરનાને મંદિરમાં પ્રવેશ નહિ

  • ભાવિકો પ્રણામ કે ઘંટ નહિં વગાડી શકે
  • આરતીમાં કોઈપણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહિં
  • સોમનાથ. અનલોક-1 નિયમો સાથે શરૂ થઈ ગયું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આગામી 8 જુનથી શ્રદ્ધાળુઓ માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન ખોલવામાં આવશે. ત્યારે 65 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરના લોકોને મંદીરમાં પ્રવેશ આપવામાં નહિં આવે. આ સાથે જ ભાવિક ભક્તિ દંડવટ, પ્રણામ કે ઘંટ વગાડી શકશે નહિં. આ સાથે જ ભક્તો ગંગાજળ, બીલીપત્રો કે ફૂલ લઈને મંદિરમાં પ્રવેશ મેળવી શકશે નહિં. એક કલાકમાં 300 લોકો દર્શન કરી શકે તે પ્રકારે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોરાના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે તકેદારી સાથે સોમનાથ મંદિરના દર્શન ખોલવામાં આવશે. મંદિરના દર્શનનો સમય મર્યાદિત રહેશે. સવારે 7.30થી 11.30 અને બપોરે 12.30થી 6.30 સુધીનો રાખવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે આરતીમાં કોઈપણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહિં.

    શ્રદ્ધાળુઓના માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્ક મંદિર પાસે રાખવામાં આવશે
    નિયમ મુજબ મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે. તેમજ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઈન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જ લાઈનમાં ચાલવાનું રહેશે. બહારથી જે ફુલો, પ્રસાદી, સામગ્રી સાથે લઈને આવે તે મંદિરના નક્કી કરેલ જગ્યાએ જ પધરાવવાના રહેશે. દર્શનની લાઈનમાં સતત ચાલતા રહવું જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઈ ગયા બાદ ક્યાંય પણ ઉભા ન રહીને સીધા બહારની તરફ નીકળવાનું રહેશે. આ સાથે જ 8 જુનથી 30 જુન સુધી શ્રદ્ધાળુઓના માર્ગદર્શન અને મદદ માટે હેલ્પ ડેસ્ક પણ મંદિર પાસે રાખવામાં આવશે. જેમાં સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેશે.

Comments