સૌરાષ્ટ્રમાં વરસાદ રાજકોટ, શાપર-વેરાવળ, જસદણ અને રાજુલામાં ગાજવીજ સાથે ધોધમાર, ખાંભા પંથકમાં અડધી કલાકમાં 2 ઇંચ

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. જ્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને વરસાદનું આગમન થયું હતું. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકમાં માત્ર અડધી કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજકોટ ગ્રામ્ય બાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અચાનક શહેરમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. અસહ્ય ઉકળાટ બાદ અચાનક શહેરમાં પવન ફૂંકાવા લાગ્યો છે.શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે.

Comments