નિર્ણય ગુડ્સ કેરેજને બે મહિના માટે મોટર વ્હિકલ ટેક્સમાંથી મુક્તિ, 2.80 લાખ માલવાહક વાહનધારકોને 100 કરોડની રાહત

અમદાવાદ. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર ગુજરાત પેકેજ હેઠળ ગુડ્સ કેરેજ એટલે કે માલવાહક વાહનોને એપ્રિલ-મે મહિનાનો મોટરવાહન કર ભરવામાંથી મુકિત આપી છે. ગુડ્સ કેરેજ ટ્રાન્સપોર્ટ ઓનર્સે સરકારને કર ભરવામાંથી મુકિત આપવાની રજૂઆત કરી હતી. જેના પગલે સરકારે 2.80 લાખ ગુડ્સ ટ્રાન્સપોર્ટ ઓનર્સને 100 કરોડની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના 2.80 લાખ ઓનર્સને ફાયદો થશે
કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર થતાં આર્થિક રીતે પ્રતિકૂળ સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે રાજ્ય સરકારે રૂ. 14,022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં માલવાહક વાહનો-ગૂડ્ઝ કેરેજને મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી એપ્રિલ અને મે એમ બે માસ માટે મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી 2.80 લાખ ગુડ્સ ટ્રાન્સપોર્ટ ઓનર્સને રાહત થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખાનગી લકઝરી બસ-કોન્ટ્રાક્ટ કેરેજ બસ તથા જીપ, ટેક્સી-મેક્સી કેબને લૉકડાઉનની સ્થિતિમાં રાહત આપતા છ માસ માટે એટલે કે 1 એપ્રિલ થી 30મી સપ્ટેમ્બર સુધીના સમય માટે રોડ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ માફી આપી છે,જેનો લાભ આશરે 63 હજાર જેટલાં આવા વાહનધારકોને મળવાનો છે.

Comments