બાયો ડિઝલના નામે ભેળસેળિયો માલ વેચતાં ભુજના 5 પંપો પર દરોડાઃ જંગી જથ્થો - પંપ સીઝ
ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના માર્ગદર્શનમાં 3 અલગ અલગ ટીમોએ આજે ભુજના ભુજોડી ગામે આવેલા ગ્રીન ગુજરાત બાયો ફ્યુઅલ , કુકમાના આરાધના ફ્યુઅલ અને દ્વિજા બાયો ફ્યુઅલ , ધાણેટીમાં આવેલા શિવશક્તિ બાયોડિઝલ , પથ્થરમાં ચાલતા શ્રીહરિ બાયો ફ્યુઅલ નામના પાંચ પંપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી . તપાસમાં બાયો ડિઝલના નામે ભેળસેળિયો પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાનું સ્પષ્ટ થયું હતું . તંત્રએ તમામ પંપમાંથી ભેળસેળિયા પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ પાંચેય પંપને સીલ કરીને 47 હજાર લિટર જથ્થો સીઝ કર્યો છે .
કોઈ જ લાયસન્સ - આધાર વગર પંપ શરૂ કરી દેવાયેલાં ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બાયો ફ્યુઅલના નામે પંપ ખોલનારી એકેય પેઢીએ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના સંગ્રહ , વેચાણ માટે કોઈ સરકારી વિભાગમાંથી કોઈ જ પ્રકારનું લાયસન્સ મેળવેલું નથી . મોટાભાગના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ પણ પંપની નોંધણી કરાવી નથી . જ્યાં પંપ ચાલું કરાયા છે તે જગ્યા પણ એનએ કરાયેલી નથી . બાયો ફ્યુઅલના નામે સસ્તાં હાનિકારક પદાર્થોની ભેળસેળ કરી વેચાણ થતું હોવાની શંકા છે . સેમ્પલના રીપોર્ટ બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે .


Comments
Post a Comment