સોનીનો 45 હજાર સાથેનો થેલો લઇ બે બાઇકર ભાગ્યા
- ગાંધીધામમાં બે દિવસમાં લૂંટ-ચીલઝડપનો ત્રીજો બનાવ
- જુના પોલીસ સ્ટેશન પાસે એક્ટિવા સવાર વેપારીને પાડી દઇ ચીલ ઝડપ કરાઇ
ગાંધીધામ. ગાંધીધામમાં એક દિવસ પહેલાં જ બાઇકર ગેંગ દ્વારા આર્મી આર્મી કેમ્પ સામે અને ભારતનગર રેલ્વે ફાટક પાસે લૂંટ અને ચીલ ઝડપના બે બનાવો નોંધાયા બાદ બીજા જ દિવસે શક્તિનગર રોડ પર જુના પોલીસ સ્ટેશન પાસે એક્ટિવા પર જઇ રહેલા જ્વેલર્સને બાઇક પર આવેલા બે ઇસમોએ પાડી દઇ તેમના પાસે રહેલી રૂ.45,000 રોકડ અને અગત્યના દસ્તાવેજ અને લોકરની ચાવી સહિતની હેન્ડબેગ ઝુંટવી લઇ ચીલ ઝડપના બનાવને અંજામ આવ્યો હોવાની ત્રીજી ઘટના બનતાં રહેવાસીઓમાં ભય ફેલાયો છે.
શક્તિનગરમાં રહેતા અને શ્યામ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા 48 વર્ષીય જીતેન્દ્રભાઇ નટવરલાલ રાવલ ગત રાત્રે દુકાન વધાવી પોતાના એક્ટિવા પર ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે શક્તિનગર રોડ પર રાત્રે 8:15 વાગ્યાના અરસામાં હીરો સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે ઇસમોએ તેમના એક્ટિવા નજીક આવી એક્ટિવાના હેન્ડલમાં ટક્કર મારી હતી જેથી તેઓ રોડ પર પડી ગયા હતા અને બાઇક સવારો તેમના એક્ટિવામાં રાખેલી હેન્ડબેગ લઇ સુંદરપુરી તરફ ફરાર થઇ ગયા હતા. હેન્ડબેગમાં રૂ.45,000 રોકડ, લોકરની ચાવીઓ, આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની ચીજ વસ્તુઓ અને દસ્તાવેજો હોવાનું જણાવી તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Comments
Post a Comment