ભચાઉમાં વીજ વિભાગની બેદરકારીએ યુવાનનો જીવ લીધો
- દુકાનદારે વીજતંત્રને વોલ્ટેજની રજૂઆત કરી હતી પણ કામ ન થયું
- વેલ્ડીંગ કામ કરતા લુહાર યુવાનને હાઈ વોલ્ટેજનો ઝાટકો ભરખી ગયો
ભચાઉ. ભચાઉમાં ઘણા દિવસથી પી.જી.વી.સી.એલ. ના ધાંધિયા અને લાપરવાહીથી લોકો ત્રસ્ત બન્યા છે અને આ બેદરકારીએ ભચાઉના એક યુવાનનો ભોગ લીધો હતો.ભચાઉના શિવાજી ગેટ નજીક કારીયાધામની સામે આવેલ ખેતીના ઓજારો બનાવતા લુહાર શિવજીભાઈ ધરમશીભાઈની દુકાન પર ચોમાસાને લઇને ખેતીકામના ઓજાર બનાવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન શિવજી ભાઈનો 20 વર્ષનો દિકરો નિકુલ પણ પોતાના પિતા અને કાકાને કામમાં મદદ કરવા વેલ્ડીંગ કામ ચાલુ કર્યું અને વેલ્ડીંગ રાડમાં જોરદાર ઝાટકોઆવ્યો હતો. ભારે વીજ ઝાટકો લાગ્યા બાદ યુવાનને તાત્કાલિક વાગડ વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાન નિકુલ ને મૃત જાહેર કરેલ બાદ ભચાઉ સરકારી હોસ્પિટલ પીએમ માટે મૃતદેહ લઇ જવાયો હતો.
અવસાન પામેલા યુવાનના પિતા શિવજીભાઈ અને અન્ય લુહારી કામની દુકાન ધરાવતા ધંધાર્થીઓએ બનાવ બાદ જણાવ્યું કે, અમે એક અઠવાડિયા પહેલા પણ વીજ વિભાગમાં લાઈટનો પાવર વધ ઘટ થાય છે અને વીજ ઉપકરણો બળે છે તેની ફરિયાદ કરેલી હતી પણ તંત્રની આ બાબતે આળસ ના ઉડી અને અમારે અમારા એકના એક યુવાન દીકરા ને ખોવોપડ્યો છે.વીજ શોકનો બનાવ બન્યો તેના એક કલાક પહેલાં પણ વધુ વોલ્ટેજ ના કારણે એક ટ્યુબ લાઈટ ઉડી ગઇ હતી. બનાવની જાણ થતાં ભચાઉ લુહાર સમાજના આગેવાનો અને વી એચ.પી ના અવિનાશભાઈ જોશી , કનક સિંહ જાડેજા સહિત ના આગેવાનો હોસ્પિટલ ધસી ગયા હતા.
Comments
Post a Comment