હિટ એન્ડ રન જૂનાગઢ પાસે કારચાલકે બાઈકને અડફેટે લેતા દંપતીનું ઘટનાસ્થળે મોત, વતનથી પરત ફરતા હતા


અકસ્માત બાદ કારચાલક કાર મુકી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ. જૂનાગઢ પાસે કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈકચાલક દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે. પતિ-પત્ની પોતાના વતન બગડુથી જૂનાગઢ પરત ફરી રહ્યા હતા.

બગડુથી જૂનાગઢ આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો
ઘટનાની વિગત અનુસાર જૂનાગઢમાં રહેતા દેવલભાઈ અશોકભાઈ કાનાબાર (ઉં,વ.45) અને તેની પત્ની તેજલબેન દેવલભાઈ કાનાબાર તેના ગામ બગડુ ગયા હતા. જ્યાંથી પરત જૂનાગઢ તરફ આવી રહ્યાં હતા. તે દરમિયાન બગડુ ગામ નજીક એક કારચાલકે સામેથી આવતા દંપતીના બાઈકને હડફેટે લીધું હતું. જેમાં દેવલભાઈ અને તેજલબેન ફંગોળાઇ જતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો હતો. જેથી પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments