સમાઘોઘામાં HDFCના ATMને તોડવાના પ્રયાસથી ચકચાર
- ભુજમાં 16 દિવસ અગાઉ HDFCના એટીએમને લૂંટવાના પ્રયાસ બાદ
- ATMનો ચોકીદાર ઘરે ભરનિંદરમાં રહયો ને, લૂંટારાઓને ચાંન્શ મળ્યો
મુન્દ્રા. 16 દિવસ અગાઉ જીલ્લા મથક ભુજ મધ્યે સંસ્કાર નગર સ્થિત એચડીએફસીના એટીએમને તોડવા બે બુકાનીધારીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ઘટના હજુ તાજીજ છે ત્યાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા મુકામે સોમવારની રાત્રે કંપનીના ગેટ બહાર આવેલા એચડીએફસીના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી તોડવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પરંતુ સંજોગોવશાત આ ઘટનામાં પણ ધાડપાડુઓને નિષ્ફળતા સાંપડ્યા બાદ વિલે મોઢે પરત ફરવું પડ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.
પોલીસ દફ્તરેથી એટીએમને સુરક્ષા પુરી પાડનાર ઠેકેદાર સુરેશ ફફલ (રહે બારોઇ તા મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ સોમવારે રાત્રે બનવા પામ્યો હતો. જેમાં સમાઘોઘા સ્થિત ઝીંદાલ સો પાઇપ કંપનીના ગેટ બહાર આવેલું એચડીએફસી બેન્કનું એટીએમ તોડવાનો અજાણ્યા લૂંટારુઓએ પ્રયાસ કર્યો હતો.પરંતુ ઉપરના પતરાંના કવર સિફત પૂર્વક તોડ્યા પછી તેમને અથાગ પ્રયાસો બાદ પણ નાણાંનું ખાનું ખોલવામાં સફળતા પ્રાપ્ત ન થતા વિલે મોઢે પરત ફરવું પડ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અનુસંધાને ઘટનાક્રમની તપાસ કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ ગઢવીનો સંપર્ક સાધતા તેમણે હાલ પંચનામું કરી મશીન પરથી મળેલા ફિંગર પ્રિન્ટ ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા હોવા બાબત પર પ્રકાશ પાડી બુધવારે બેંકની સ્પેશ્યલ ટીમ આવ્યા બાદ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું દબાવવાનું જણાવ્યું હતું તો, બનાવ સમયે એટીએમ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતો યુવાન ઘરે નિંદ્રા માણવા ચાલ્યો ગયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ એટીએમ લૂંટ કેસમાં હેમલ ટ્રાવેલ્સના સંચાલકને પોલીસે ગણત્રીના દિવસોમાં દબોચી લીધો હતો. પરંતુ મદદગાર આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.
Comments
Post a Comment