પશ્ચિમ બાદ પૂર્વ કચ્છમાંથી 4.31 લાખનો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરતી પોલીસ
ગાંધીધામ. પશ્ચિમ કચ્છના ભુજ, ઝરપરા અને નખત્રાણામાંથી પોલીસે અખાદ્ય ગોળનો 15 હજાર કિલો જથ્થો ઝડપ્યા બાદ આજે પૂર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર અને જુની દુધઇમાંથી રૂ.4.31 લાખના સડેલા ગોળનો જથ્થો જપ્ત કરી પોલીસે તવાઇ બોલાવી હતી.
અંજારમાંથી 1.27 લાખનો, આદિપુરમાંથી 12 હજાર અને જુની દુધઇમાંથી 9,900 નો અખાદ્ય ગોળ ઝડપાયો
ગાંધીધામના રિશિ શિપિંગ કંપની પાસે આવેલા અશોકભાઇ ઠાકરશીભાઇ ભદ્રાની માલિકીના જલદેવ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોડાઉનમાંથી ઓમ, 555 અને ડિલક્ષ લખેલા રૂ.2,83,200 ની કિંમતનો 7,080 કિલોગ્રામ અખાદ્ય (સડેલા) ગોળનો જથ્થો એ-ડિવિઝન પોલીસે જપ્ત કર્યો હતો. તો આદિપુર પોલીસે મદનસિંહ ચોકમાં આવેલી પ્રકાશભાઇ ઠાકુરદાસ જ્ઞાનચંદાણીની વંદના પ્લાસ્ટિક નામની દુકાનમાંથી રૂ. 12,000 ની કિંમતનો 400 કિલોગ્રામ અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો. અંજાર એપીએમસી માર્કેટ યાર્ડ અંદર આવેલી મીત ભરતભાઇ કોડરાણીની મીત ટ્રેડર્સ દુકાનમાંથી અંજાર પોલીસે રૂ.1,27,500 ની કિંમતની 4,250 કિલોગ્રામની 425 અખાદ્ય ગોળની ભીલીઓ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. તો જુની દુધઇમાં બાતમીના આધારે દુધઇ પોલીસે કૈલાશ વીરારામજી રબારીના ગોદામમાંથી રૂ.9,900 ની કિંમતની 10 કિલોની એક એવી કંતાનમાં વીંટેલી અખાદ્ય ગોળની 33 ભીલી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
Comments
Post a Comment