ગાંધીધામના ભરચક એવા જુની સુંદરપુરી વિસ્તારમાં કોરોનાએ દેખા દેતા દોડધામ
ગાંધીધામ. ગાંધીધામ- આદિપુરમાં કોરોનાનો પગ પેસારો ન થાય તે માટે લાંબા સમયથી કવાયત હાથ ધરવામાં આવી હતી. લોકડાઉન સમયે સફળતા મળ્યા પછી ધીમે ધીમે કોરોનાનો પગ પેસારો સંકુલમાં થઇ રહ્યો છે. આજે ગાંધીધામના ભરચક ગણાય તેવા સુંદરપુરી વિસ્તારના ધોબીઘાટ અને આદિપુરના ટીઆરએસમાં કેસ નોંધાતા ફરી એક વખત દોડધામ શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી ગાંધીધામમાં 19 કેસ નોંધાઇ ચૂક્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શરૂઆતના તબક્કે જે રીતે કોરોનાનો વ્યાપ વધતો હતો તેની થીયેરી જોઇને નગરપાલિકા અને આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા એવીદહેશત વ્યક્ત કરવામાં આવતી હતી કે સંભવત સુંદરપુરી, ભારતનગર જેવા ભરચક વિસ્તારમાં વધુ કેસ નોંધાઇ શકે તેવી સ્થિતિ બની શકે તેમ છે. પરંતુ આ વિસ્તારોમાં કેસે દેખા ન દેતાં લોકો અને તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન આજે નવા બે કેસ આવ્યા છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, 2-બીના કેટલાક રહીશોના જણાવ્યા મુજબ ટીઆરએસમાં આવેલા કોરોના પોઝિટિવના દર્દીના કિસ્સામાં વ્યવસ્થિત રીતે કન્ટેનમેન્ટ ઝોનની કામગીરી કરે તેવી માગણી કરી રહ્યા છે.
Comments
Post a Comment