કસ્ટમનું ઓપરેશન , જખૌ પાસેથી ચરસના 8 પેકેટ મળ્યા



ભુજ. એકાદ માસ અગાઉ કચ્છના દરીયાઇ કાંઠેથી ચરસના બિનવારસુ પેકેટ મળવાનો સીલસીલો આઠેક દિવસ ચાલુ રહ્યો હતો. પોલીસ, બીએસએફ, સ્ટેટ આઇબી, કોસ્ટગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને હજારથી વધુ ચરસના પેકેટ મળ્યા છે. હવે, કસ્ટમે બ્રાઉન સોલ્ટ ઓપરેશન હાથ ધરતા તેમની પેટ્રોલિંગ પાર્ટીને જખૌ પાસેના સિયાળી નાળા વીસ્તારમાંથી 8 ચરસના પેકેટ મળ્યા છે.

બ્રાઉન સોલ્ટ ઓપરેશન હાથ ધર્યું
કસ્ટમ ભુજ ડિવિઝનના રાકેશ બિહારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કંડલા કસ્ટમના નવનિયુક્ત કમિશનર મનોજકુમાર શ્રીવાસ્તવ દ્વારા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચરસના પેકેટ મળવાના સીલસીલો અને ઘુસણખોરીને ધ્યાને લઇને બ્રાઉન સોલ્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ ટીમને જખૌથી આગળ સિયાળી ક્રીક વિસ્તારમાંથી આઠ ચરસના બિનવારસુ પેકેટ મળ્યા હતા. એક સેમ્પલ પીસ ગાંધીનગર એફએસએલમાં મોકલાવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કેટલી કિંમતના પેકેટ છે તે માહિતી બહાર આવે તેમ છે. આ પેકેટ પ્રથમ નજરે જોતા ચરસ હોવાની સંભાવનાઓ વ્યકત કરી હતી. વધુમાં માહિતી આપતા રાકેશભાઇએ જણાવ્યું હતું કે, અગાઉ પણ કસ્ટમ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું પણ થોડાક સમયથી ચરસના બિનવારસુ પેકેટ મળ્યા હોવાથી પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. તો તેમની ટીમ દ્વારા પ્રોટોકોલ મુજબ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાની વાત તેમણે કરી હતી.

Comments