RBL કૌભાંડના સુત્રધારનો પુત્ર 5 દિ રિમાન્ડ પર
- ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાને ભુજ કોર્ટમાં રજુ કરાયો
- અબડાસા, લખપત અને નખત્રાણાના 119ખેડુતો નામે આચર્યુ હતું કૌભાંડ
ભુજ. પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણાના 119 ખેડુતોના બોગસ દસ્તાવેજના આધારે આરબીએલમાંથી 24,64 કરોડની પાક ધિરાણ લોન મેળવીને કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય સુત્રધાર ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાને બુધવારે સીઆઈડી ક્રાઈમ દ્વારા ભુજની કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજુ કરતાં અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
મુખ્યસુત્રધાર આરોપી ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણાના 119 ખેડૂતોને અંધારામાં રાખીને તેમના નામે નખત્રાણા અને અમદાવાદની રત્નાકર બેંકમાંથી 24.64 કરોડની લોન મેળવી અને લોનની રકમ બેન્કમાં ન ભરીને કરોડોનું કૌભાન્ડ આચરવાના ચકચારી બનાવમાં મંગળવારે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજએ આરોપી ભદ્રેશ મહેતા અને જયંતી ઠક્કર ડુમરાવાળા સહિતના સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધીને લોન કૌભાન્ડના મુખ્યસુત્રધાર આરોપી ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન આ કેસના સીઆઈડી ક્રાઈમના તપાસનીશ ડીવાયએસપી એ.એમ.દેસાઇની ટીમ દ્વારા આરોપી પાર્થ મહેતાને બુધવારે ભુજની અદાલતમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સીઆઇડી ક્રાઇમના સરકાર તરફે જિલ્લાના મુખ્ય એડવોકેટ કલ્પેશભાઇ સી.ગોસ્વામીએ લોન કૌભાન્ડના કેસમાં ધારદાર દલીલો કરી હતી. અદાલતે આરોપીના 2 ઓગસ્ટના બપોરના બાર વાગ્યા સુધીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો, આ ચકચારી કેસના અન્ય આરોપીઓને ઝડપી લેવા સીઆઇડી ક્રાઇમે તપાસ તેજ કરી છે.
Comments
Post a Comment