ભયનો માહોલ જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં ખળખળાટ

  • સેમ્પલ લેવાયા બાદ રીપોર્ટ આવે તે પહેલા રફુચક્કર
  • અંજારની વેલસ્પન કંપનીનો ભાગેડુ કર્મી જીવતો બોમ્બ
  • દર્દી તથા તેના પરિવારજનોના મોબાઇલ ફોન સ્વીચઓફ
  • ભુજ. અંજારની વેલસ્પન કંપનીના કર્મીનું ગુરુવારે કોરોના સેમ્પલ લેવાયું હતું, જો કે, રીપોર્ટ આવે તે પહેલા આ દર્દી ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. આ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવતાં હાલે જીવતા બોમ્બ સમાન આ દર્દી ફરી રહ્યો હોઇ, સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર વેલસ્પન કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને દરરોજ બેથી ત્રણ કેસ નોંધાતા હોય છે. કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે. ગુરુવારે વેલસ્પન કંપનીના કર્મચારી અને અંજારના મફતનગરમાં રહેતા સીતારામ કન્વર (ઉ.વ.48)ને કોરોનાના લક્ષણો જતાં તેને સવારે સેમ્પલ માટે ભુજ લઇ અવાયો હતો.

    સેમ્પલ લેવાયા બાદ તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, આ દર્દી રીપોર્ટ આવે તે પહેલા જ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. તા.30/7ના જાહેર થયેલી યાદીમાં આ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીવતા બોમ્બ સમાન આ દર્દી ભાગી જતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાગેડુ દર્દીના પરિવારજનોની તપાસ કરતાં તેમના ફોન પણ બંધ આવે છે. આ અંગે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલના ડો. હીરાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અંજારના દર્દીનું સેમ્પલ સવારે લેવાયું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ રીપોર્ટ આવે તે પહેલા ભાગી ગયો છે.

    9 વાગ્યા સુધી પોલીસને પણ જાણ ન કરાઇ
    આવા ગંભીર કિસ્સામાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી હતી. કોરોના પોઝિટિવ દર્દી ભાગી ગયો હોવા છતાં તે અંગે રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધાં પગલા લેવાયા ન હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી. વસાવાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ જી.કે. જનરલ હોસ્પિટલમાં બન્યો છે તેમ છતાં ત્યાંથી કે, આરોગ્ય તંત્ર દ્વારા દર્દી ભાગી ગયો હોવા અંગે કોઇ જાણ કરાઇ નથી.

Comments