હડતાળ રાહત પેકેજ ન અપાતાં અમદાવાદમાં આજે 2 લાખ રિક્ષાચાલકોની હડતાળ
અમદાવાદ. રાજ્ય સરકારે રિક્ષાચાલક એસોસિએશનની માગણીઓ ન સ્વીકારતાં અમદાવાદમાં મંગળવારે બે લાખ રિક્ષાચાલકો એક દિવસની હડતાળ કરશે, જેને 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું રિક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 7 જુલાઈએ પ્રતીક હડતાળ કરીશું. જોકે ઇમર્જન્સી સેવામાં રિક્ષા ચાલુ રહેશે. 10મીએ જીએમડીસી ખાતે વિશાળ જાહેર સભા યોજાશે. આર્થિક તંગીને કારણે અત્યાર સુધીમાં 3 રિક્ષાચાલકોએ જીવન ટૂંકાવ્યું છે. પાંચ અલગ અલગ માગણીઓને લઈને સરકારને રજૂઆત કરાઈ હતી, પણ તે સ્વીકારાઈ નથી.
રિક્ષાચાલક એસોસિયેશને લૉકડાઉનના ત્રણ મહિનાના 15 હજારની રોકડ સહાય સહિત વિવિધ માગણીઓ સરકાર સમક્ષ કરી હતી. એસોસિએશને કહ્યું છે કે, અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી સરળ નિયમોના આધારે એક લાખની લોનની વ્યવસ્થા, ટ્રાફિક પોલીસ કે પોલીસ વિભાગ દ્વારા હેરાનગતિ ન કરવા, મેમો બંધ કરવા, રિક્ષાચાલકોનાં ઘરનાં બિલ, સ્કૂલ ફી માફ કરવા રજૂઆત કરાઈ હતી, પરંતુ કોઈ પરિણામ ન આવતા હડતાળનો નિર્ણય કરાયો છે.
Comments
Post a Comment