નિર્ણય / સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણના શનિ, રવિ અને સોમવારે 2 કલાક વધુ ખુલ્લું રહેશે, માસ્ક ફરજિયાત
વેરાવળ. આગામી મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓએ કોરોનાને કારણે દર્શન સમયે ઘણું ધ્યાન રાખવું પડશે. જો કે ડાકોરનું રણછોડરાય મંદિર કોરોનાના કેસ વધતાં બંધ કરાયું છે. તેવી જ રીતે સુરત નજીકના ઓલપાડમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેવી જ રીતે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં પણ મધ્ય પ્રદેશ બહારની વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનું નક્કી કરાયું છે.
માસ્ક સિવાય મંદિરમાં કોઇને પ્રવેશ નહીં મળે
શ્રાવણ માસના આગમન સાથેજ સોમનાથમાં ભાવિકોનો પ્રવાહ શરૂ થશે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે અને કોરોનાનો ફેલાવો ન થાય એ માટે સોમનાથ ટ્રસ્ટ, પોલીસ અને એસઆરપીના અધિકારીઓની ખાસ મિટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં શ્રાવણ માસના દરેક શનિ, રવિ અને સોમવારે દર્શનનો સમય 2 કલાક વધારાયો છે. અને તમામ દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે. એ સિવાય મંદિરમાં કોઇને પ્રવેશ નહીં મળે. સાથે મંદિરના તમામ સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ માટે પણ માસ્ક ફરજિયાત બનાવાયો છે. સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન આવતા ભાવિકોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાયઅને સાથે સંક્રમણને ટાળી શકાય એ માટે આજે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને મંદિરની સુરક્ષાના ઇન્ચાર્જ ડિવાયએસપી એમ. ડી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી. અને વિવિધ તકેદારીના પગલાં નક્કી કરાયા હતા.
આરતીના સમયે મંદિરમાં પ્રવેશ નહીં મળે
આ ઉપરાંત શ્રાવણ માસમાં મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ સવારે 7:30 થી 11:30, બપોરે 12:30 થી સાંજે 6:30 સુધીનો રહેશે. પરંતુ ભાવિકોની ભીડની સંભાવના લઈ શ્રાવણના પ્રત્યેક શનિ, રવિ અને સોમવારે સવારે 6 થી 6:30 અને સાંજે 7:30 થી રાત્રે 9:15 સુધી દર્શન ચાલુ રહેશે. જેમાં આરતીના સમયે મંદિરમાં પ્રવેશ નહીં મળે. એટલેકે, સવાર-સાંજ બંને સમયે 6:30 થી 7:30 દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રહેશે.આ અંગે ડિવાયએસપી એમ. ડી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રેન્જ આઇજી મનીન્દરસીંઘ પવાર તથા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં સોમનાથમાં લાખો ભાવિકો ઉમટશે એવીધારણા સાથે જડબેસલાક બંદોબસ્ત વચ્ચે પણ યાત્રિકો સાથે સારો વ્યવહાર રાખવાની સુચના અપાઇ છે. હાલ મંદિરની સુરક્ષામાં 1 ડિવાયએસપી, 3 પીએસઆઇ અને સુરક્ષાદળ છે. તે ઉપરાંત વધારાના 1 પીઆઇ, 2 પીએસઆઇ અને 60 પોલીસ જવાનોની માંગણી કરાઇ છે.
હાલ સોમનાથ ખાતે 1 એસઆરપી કંપની, જીઆરડીના 115 જવાનો-મહિલાઓ અને 47 પોલીસ કર્મીઓ કાર્યરત છે. શ્રાવણમાસમાં કુલ 350ની સ્ટ્રેન્થ રહેશે. સોમનાથના દરિયાકિનારે ત્રાસવાદી પ્રવૃત્તિ ડામવા અગર વોચ રાખવા ઘોડેસ્વાર પોલીસ, એસઆરપી અને હોમ ગાર્ડઝના ફિક્સ પોઇન્ટ ગોઠવાયા છે. સમગ્ર મંદિર સંકુલ 56 હાઇડેફીનેશન સીસી ટિવી કેમેરાથી તમામ ગતિવિધીઓનું નિરીક્ષણ થાય છે. આ ઉપરાંત ડોગ સ્કવોડ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ સજ્જ રખાઇ છે.
મહાકાલ અન્યો માટે બંધ
ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર મધ્ય પ્રદેશની બહારના શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા કેરને કારણે આ નિર્ણય લેવાયો છે. એકબાજુ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે જ આ નિર્ણય લેવાતા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે.
ઓલપાડ-સિદ્ધનાથ મંદિર બંધ
સુરત નજીકના ઓલપાડ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના પ્રારંભથી જ બંધ રહેશે. સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વણસતા આ નિર્ણય લેવાયો છે. શ્રાવણ મહિનામાં આ મહાદેવના મંદિરે ચાલીને જવાની પરંપરા છે. આ વખતે શ્રદ્ધાળુઓએ નિરાશ થવું પડશે.
ડાકોર મંદિર 20મીથી બંધ
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી ગંભીર બની રહી છે, ત્યારે ડાકોરનું રણછોડરાય ધામ પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 20 મી જુલાઇની સ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી મંદિર બંધ રહેશે.
Comments
Post a Comment