ક્રાઇમ / અંજારના એ યુવાન સામે આખરે ગુનો


અંજારના યુવાનને મેરિટમાં છેડછાડ કરી ના. કલેકટરની નોકરી માટેનો દાવો કરવો ભારે પડ્યો

અંજાર. જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા પરિણામના મેરીટમાં છેડછાડ કરીને નાયબ કલેક્ટરની નોકરી મેળવાનો પ્રયાસ કરનાર અંજારના યુવક સામે આયોગ દ્વારા ગાંધીનગર પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેથી હવે યુવકને પોલીસ દ્વારા જેલહવાલે કરવામાં આવનાર છે.આ અંગે ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકમાં જીપીએસસીના નાયબ સેક્શન અધિકારી ગૌરવ જગમાલભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જીપીએસસી દ્વારા જુલાઈ 2019માં ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે કચ્છ અંજાર 75, ચિત્રકૂટ સોસાયટી-2માં રહેતા ભાવિક જેન્તીભાઈ અડીયેચાએ જીપીએસસી ખાતે અરજી કરી હતી, જેમાં તેણે રજૂઆત કરી હતી કે, 4 જુલાઈ 2019ની પરિક્ષામાં તેનું નામ હતું. જેમાં સુધારો કરીને 5 જુલાઈએ બીજાનું નામ ઉમેરી દેવાયું છે. જેથી જીપીએસસી દ્વારા તેને બોલાવતા યુવકે પરિણામ જાહેર થયું હોય તેની નકલ રજૂ કરી હતી, જેમાં મેરિટ ક્રમાંક -13 માં પોતાનું નામ અને જન્મ તારીખ બતાવ્યા હતા. જેથી કચેરી દ્વારા ભાવિકના બેઠક ક્રમાંકના આધારે તપાસ હાથ ધરાતા તેણે પ્રાથમિક પરિક્ષા જ આપી ન હોવાનું સામે આવ્યું હતું.

આ છતાં કચેરી દ્વારા યુવકને પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે કહેવાયું હતું. જોકે પોતાની વાત સાબિત ન કરી શકતાં જીપીએસસીએ તેના આગામી તમામ પરીક્ષાઓ માટે કાયમી ધોરણે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આયોગ દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઇ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે યુવક સામે ખોટા દસ્તાવેજો બનાવવા અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવકે જીપીએસસી ઉપરાંત સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યો હતો.

ભાવિકે પરિણામ સાથે છેડછાડ કરી આયોગ ઉપરાંત સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યો હતો. જેના કારણે ગુર્જર સુતાર બે ચોવીસી જ્ઞાતિ ટ્રસ્ટ, અંજાર કે જેમાં યુવકના પિતા જેન્તીભાઈ પણ ટ્રસ્ટી છે. તે ટ્રસ્ટના લેટરપેડ પર સમાજના ગૌરવ બાબતે પ્રેસનોટ તૈયાર કરવામાં આવી હતી અને કચ્છના તમામ સમાચાર પત્રોને આ બાબતની પ્રેસનોટ મોકલવામાં આવી હતી. જે સંદર્ભે સસ્તી પ્રસિદ્ધિ માટે રચેલા કપટમાં યુવક સફળ પણ રહ્યો હતો અને તમામ સમાચાર પત્રો દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ પણ કરાયા હતા.

Comments