ભુજ બોગસ ચૂંટણીકાર્ડ મુદ્દે નોંધાયો ગુનો, અરજદાર, સાગરીત પાંજરે પુરાયા

ભુજ. આરટીઓમા લાઇસન્સના એડ્રેસ સુધારો કરવા માટે પશ્ચિમ બંગાળના અરજદારે બોગસ ચૂંટણીકાર્ડ રજુ કરતા આરટીઓ ઇન્સ્પેકટરે પોલીસને સોંપ્યો હતો. જે અંગેનો અહેવાલ સૌપ્રથમ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો. પોલીસ ફરીયાદ નોંધાતા અરજદાર અને સાગરીતનો કોરોના ટેસ્ટ કરાવી કવોરન્ટાઇન કરાયા છે.

ઇન્સપેકટરે ફોજદારી નોંધાવતા બંનેને ઝડપી કોરોનાનો રિપોર્ટ કરાવી કવોરન્ટાઇન કર્યા
આસી. ઇન્સ્પેકટર પાર્થ સોલંકીએ બી-ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, મંગળવારે ચારેક વાગ્યે બિહારનો અરજદાર મહોમ્મદ અબ્બાસ મુરતજાઅલી અંસારી (રહે. મુળ બિહાર, હાલે માધાપર હાઇવે ડાંગર રોડલાઇસન્સ,ભુજ)વાળો પોતાના લાઇસન્સમાં એડ્રેસ સુધારો કરવાની અરજી લઇને આવ્યો હતો, જેમાં ચૂંટણીકાર્ડ જોતા પ્રથમ દૃષ્ટિએ બોગસ જણાયું હતું. આરટીઓને જાણ કરતા તેમણે પણ નંબર વેરીફાઇ કરતા બોગસ હોવાની સંભાવના હોતા પોલીસને બોલાવી તેને સોંપી દેવાયો હતો. પોલીસે બોગસ આઇડી પ્રુફ કોણે બનાવ્યો તે અંગે અરજદારની પુછતાછ હાથ ધરી તેના સાગરીતને પણ રાત્રે ઉઠાવી લીધો હતો. આ અંગે બી. એસ. વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના રિપોર્ટ કરાવી કવોરન્ટાઇન કરાયા છે, રિપોર્ટે આવ્યે ધરપકડ બતાવાશે.

આઇ.ડી.પ્રુફ બનાવી આપનારો પણ પકડાયો
અબ્બાસ અંસારીને બોગસ ચૂંટણી કાર્ડ બનાવી આપનાર મહેન્દ્રને પોલીસે રાત્રે ઉઠાવી લીધો હતો. બીજી બાજુ, મહેન્દ્ર તો ઓનલાઇન એપ્લીકેશન કરવાનું કામ કરે છે ત્યારે આ અરજદારનો એજન્ટ પણ અન્ય કોઇ હોવાનું આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

Comments