નિર્ણય / કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાતઃ દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા પગલું ભર્યું


અમદાવાદ. રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત છે તેવું મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું, હાલ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નથી. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યાં વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની)નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપીંડી કરી દસ્તાવેજ નોંધણી કરાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં. આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપિંડીથી ભૂમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ હવેથી, મહેસૂલ વિભાગ દ્વારા સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના મુખત્યારનામાઓ(પાવર ઓફ એટર્ની)ની નોંધણી ફરજિયાત થશે.

Comments