મીરજાપરમાં અડધા લાખના દારૂ સાથે યુવાન પકડાયો

હાજર ન મળી આવેલા અન્ય આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ભુજ. ભુજ તાલુકાના મીરજાપર ગામે આવેલી રાધાક્રીષ્ના હોટેલની પાછળ આવેલી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાથી બાતમી આધારે પોલીસે દરોડો પાડતા કોડકીનો યુવાન અડધા લાખના શરાબના જથ્થા સાથે પકડાયો હતો. રેડ સમયે હાજર ન મળી આવેલા આરોપીને શોધવા પોલીસે ચક્રોગતીમાન કર્યા હતા.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એ-ડિવીઝન પોલીસની ટીમે મીરજાપર ગામે આવેલી રાધાક્રીષ્ના હોટેલની પાછળની ઓરડીમાં દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલ 148 (કિંમત રૂપીયા 51,800)ના જથ્થા સાથે રમેશ જાદવજી હાલાઇ (ઉ.વ.32) (રહે. સ્વામીનારાયણ મંદીરની બાજુમાં, કોડક) વાળાને પકડી પાડયો હતો, તો દરોડા દરમિયાન ધનસુખ પટેલ (રહે. કેરા)વાળો હાજર મળી આવ્યો ન હતો. પીઆઇ બારોટ, ટી.એચ. પટેલ, કિશોરસિંહ જાડેજા સહિતની ટીમે બંને સામે ગુનો નોંધી નાસી છુટેલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

ટ્રાફિક પોલીસને ચેકિંગ દરમિયાન 15 બોટલ શરાબ મળ્યો, ચાલક ફરાર
શહેરની ભાગોળે પ્રિન્સ રેસીડેન્સી પાસે સીટી ટ્રાફિક પોલીસની ટુકડી વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક્સીસથી આવતો એક શખ્સ દેખાયો હતો તેને રોકતા તે સ્કુટર મુકી નાસી ગયો હતો. સ્કુટરની ડીકી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વ્હીસ્કીની 15 બોટલ (કિંમત રૂપીયા 3 હજાર) અને એકસીસ કિંમત રૂપીયા (30 હજાર) કબજે કરી ચાલક કલ્પેશ ગોર (રહે. જયનગર)વાળા સામે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.

Comments