અબડાસા ગોલાય રખાલમાં સસલાના 10 શિકારી દબોચાયા

અબડાસા   ગોલાય રખાલમાં સસલાના 10 શિકારી દબોચાયા


માત્ર બે સસલાનો શિકાર કર્યો અને ત્યાંજ વનવિભાગની ટીમે ત્રાટકીને આરોપીઓને ઝડપી પાડ્યા

લાખોંદ. પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા બાતમીના આધારે અબડાસા તાલુકાની ગોલાય રખાલમાં સસલાનો શિકાર કરી રહેલી જિલ્લાબહારના વતનીઓની ટોળકીને દબોચી લેવામાં આવી હતી,સાથે જ મૃત સસલાના અવશેષો કબ્જે કરી તાત્કાલિક દંડ ફટકારવામાં આવ્યો હતો. નલિયા ઉત્તર રેન્જના વાયોર રાઉન્ડની ગોલાય રખાલમાં આરએફઓ જે.પી ચાવડાને મળેલી બાતમીના આધારે મૂળ વારાહી બાજુના 10 શિકારીઓને નલિયા વનવિભાગે મોટો શિકાર કરે તે પહેલા જ પકડી પાડ્યા હતા.વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ-4 ના વન્યજીવ સસલાના શિકારીઓને કાયદાના સાણસામાં લઈને તેમની મોડ્સ ઓપરેન્ડી અને અન્ય પાસાઓની ચકાસણી સહીત કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરેક આરોપીને 2000 રૂપિયાનો તરત જ દંડ ફટકારી 20,000 રૂપિયાનો કુલ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ વનવિભાગના ડી.સી.એફ ડો.તુષાર પટેલના માર્ગદર્શનથી આરએફઓ ચાવડા સહિતની ટિમ દ્વારા શિકારીઓને પકડી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં નલિયા ઉત્તર રેન્જના સ્ટાફમાં વનપાલ યુવરાજસિંહ વાઘેલા,હિતેન્દ્રસિંહ ચુડાસમા.વનરક્ષક મેહુલભાઈ સીતાપરા,પ્રતિપાલસિંહ જાડેજા,વિરસંગભાઈ કાગાડીયા તથા રોજમદાર મેઘરાજસિંહ જાડેજા,ઓસમાન સોતા સહિતના જોડાયા હતા.

વનવિભાગે ઝડપેલી શિકારી ટોળકી
વનવિભાગે ઝડપેલા દસ શિકારી વારાહી વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.આરએફઓએ આપેલી વિગતો અનુસાર ભરત પચા કોલી, લીલા રાધુ કોલી, વાલા પોપટ કોલી, ગણપત પચા કોલી, રમેશ માવજી કોલી, નીલા મોતી કોલી, કમા નાથા કોલી, અરવીન કમા કોલી, શિવરામ અંબા ઠાકોર અને બાબુ પોપટ કોલી સહિતનાને પકડી પાડવામાં આવ્યા હતા.

મિજબાની માટે સસલાનો શિકાર કરાય છે,આ રહ્યો ઘટનાક્રમ
જિલ્લામાં સસલાના શિકારની ઘટના અવારનવાર સામે આવી રહી છે,આ વચ્ચે નજીકના ભૂતકાળની કેટલીક ઘટના પર ધ્યાન આપવામાં આવે તો અંજાર તાલુકાના ખેડોઈની રખાલમાં શિકાર મુદ્દે ત્રણ આરોપીઓને 31 જુલાઈ 2019ના પકડી પાડવામાં આવ્યા હતા,અબડાસા તાલુકાના ડુમરામાં મિજબાની માટે સસલાનો શિકાર કરતા 7 નવેમ્બર 2019 ઝડપાયા હતા.માંડવી તાલુકાના મોટી સાંભરાઈના ત્રણ શિકારીઓ 18 એપ્રિલ 2020ના ઝડપાયા હતા.સાથે જ તાજેતરમાં ભચાઉના મનફરા વિસ્તારમાં ૩ યુવકોએ સસલાનો શિકાર કરતા પોલીસ-વનવિભાગે દબોચી લીધા હતા.

Comments