ઈ-લોકાર્પણ 74.49 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન


કચ્છમાં રૂ.74.49 કરોડના ખર્ચે વિકાસ કામોનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં થયેલા તકતી અનાવરણમાં રૂ.2.73 કરોડના ખર્ચે નિર્મિત નખત્રાણા વિશ્રામગૃહનું અને રૂ.35.5 કરોડના ખર્ચે નિર્મિત ગઢશીશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરાયું હતું. નખત્રાણા તાલુકામાં રૂ.16.96 કરોડના ખર્ચે ભુજ-લખપત રોડ, રૂ.20.35 કરોડના ખર્ચે દયાપર-સુભાષપર-પ્રાન્ધો રોડ અને રૂ.34.45 કરોડના ખર્ચે બનનારા નખત્રાણા-નિરોણા-લોરિયા રોડનું ઈ-ભૂમિપૂજન કરાયું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ તકે જણાવ્યું હતું કે, કચ્છમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નર્મદાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આ વર્ષે સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે. કચ્છના ખેડૂતોની લાગણી મુજબ નર્મદાનું પાણી ખૂબ જ ટૂંકા સમયમાં કચ્છને મળતુ થશે. પખવાડિયા પહેલા જ આ મુદ્દે રિવ્યૂ બેઠક કરાઈ છે. હવે માત્ર સ્થાનિક કક્ષાએ કેટલાંક વિસ્તારની જમીન સંપાદનની કામગીરી બાકી છે તે પણ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ખેતી, પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી ખુબ જ ઝડપથી મળતું થઈ જશે.

કેન્દ્ર સરકારે મંજુર કરેલા ભુજ-અંજાર રોડને નેશનલ હાઈવેનું કામ ઝડપથી શરૂ કરવાની પ્રક્રિયા કરી છે. રાજયમંત્રી આહીરે નાયબ મુખ્યમંત્રી પટેલને સરહદને જોડતા વરસાણા-ભુજ માર્ગના અટકેલા કામ માટે રજુઆત કરી, ખેડૂતોની લાગણી અને નર્મદા કેનાલની કામગીરી વહેલીતકે પૂર્ણ થશે એમ જણાવ્યું હતું.

Comments