પરિવર્તન કોરોનાના ડરથી સાઈકલની ડિમાન્ડ વધી, શહેરમાં બે મહિનામાં વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો

જિમ, સ્વિમિંગ પૂલ, પાર્ક બંધ રહેતાં ફિટનેસપ્રેમીઓએ સાઈકલનો વિકલ્પ અપનાવ્યો

કોરોનાને કારણે જિમ, સ્વિમિંગ પુલ, પાર્ક બંધ હોવાથી શહેરીજનો ફિટનેસ જાળવી રાખવા માટે હવે સાઈકલિંગ તરફ વળ્યા છે. સાઇકલિંગ કરતા લોકોનું કહેવું છે કે, આનાથી તાજી હવા અને એક્સરસાઈઝનો ફાયદો થાય છે. સાઈકલિંગથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખી શકાય છે. અમદાવાદમાં છેલ્લા 16 વર્ષથી ચાલતી સાઇકલ ક્લબમાં કોરોના પછી સભ્યોની સંખ્યામાં ડબલ વધારો થયો છે.

લોકો અચાનક સાઈકલ તરફ વળતા બે મહિના પહેલાં જે સ્ટોર્સમાં સાઇકલો ધૂળ ખાતી હતી તે હવે ખાલી થઈ ગયા છે. ગ્રાહકોને હવે નવી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. અમદાવાદમાં સાઇકલના વિક્રેતાઓનું કહેવું છે કે, કોવિડ-19 પછી સાઇકલના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. એકદમ સાઇકલની ડિમાન્ડ નીકળતા ભાવમાં પણ 10 ટકાનો વધારો થયો છે.

5 હજારથી લઈને 5 લાખ સુધીની સાઈકલનું વેચાણ 
લક્ષ્મી સાઇલ સ્ટોરના માલિક સચિન વાધવાનીએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો સાઇકલ ઇન્સ્ટોલમેન્ટ પર ખરીદી કરી શકે તે માટે બેન્ક લોનની ઓફર કરી રહ્યાં છે. હાલમાં ઇન્ટરનેશનલ 7 અને લોકલ 12 બ્રાન્ડની સાઇકલનું અમદાવાદમાં વેચાણ થઇ રહ્યું છે. જેની કિંમત રૂ. 5 હજારથી લઇને રૂ. 5 લાખ સુધી જાય છે.

ફિટનેસ માટે લોકો સાઈકલ તરફ વળ્યા
રેવલ્યુએશન બાઇક સ્ટોરના માલિક રાહુલ પરીખે કહ્યું કે, કોરોનાને લઇને લોકો ફિટનેસને લઇને વધારે જાગૃત થયા છે. જિમ, પાર્ક, ગાર્ડન, સ્વિમિંગ પૂલ બધુ બંધ છે ત્યારે લોકો સાઈકલ તરફ વળ્યા છે. આથી સાઇકલના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. હાલમાં તમામ ઊંમરના લોકો સાઇકલ ખરીદવા માટે આવે છે. જેમની ચોઇસ લોકલ અને ઇન્ટરનેશનલ સાઇકલની હોય છે.

સાઈકલની ક્લબના મેમ્બર વધ્યા
સાઇકલોન સાઇકલ કલબના પ્રમુખ વિનોદ પુરોહિતે જણાવ્યું કે, કોરોના પહેલા અમારી કલબમાં 1500 મેમ્બર હતા. જેમાં વધારો થઇને હવે 2600 થઇ ગયા છે અને ફેસબુક પર 9 હજાર કરતા વધારે સભ્યો ફલોઅપ કરે છે.મેમ્બર વધતા સાઇકલ કલબની ઇવેન્ટ વધી છે.

Comments