ગાંધીધામ કોર્ટે આરોપી વકીલને સહઆરોપી વતી હાજર રહેવાની પરવાનગી નકારી કાઢી

2012ના ATM પ્રકરણમાં અન્ય આરોપીઓ સાથે ધારાશાસ્ત્રીની પણ અટક કરી હતી

ગાંધીધામ. વર્ષ-2012 માં આદિપુર પોલીસ મથકે નોંધાયેલા એટીએમ ઉચાપત પ્રકરણમાં એટીએસની ટીમે આરોપી તરીકે ગાંધીધામના ધારાશાસ્ત્રીને પણ આરોપી તરીકે આગોતરા જામીન હપર મુક્ત છે છતાં પોતાના સહ આરોપીઓ વતી તેમની જામીન અરજીમાં વકીલ તરીકે હાજર રહેવાની તેમની પરવાનગી ગાંધીધામ કોર્ટે નકારી છે. આ કેસની વિગતો એવી છે કે, રાઇટર સેફ ગાર્ડ પ્રા.લી કંપનીને પ્રિઝમ ડાયમંડ કંપનીએ અલગ અલગ એટીએમ મશિનોમાં કેશ લોડિંગ કરવા, તથા રિપેરિંગ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો કેશ લોડિંગની રકમમાંથી અલગ અલગ તારીખે કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીના કર્મચારીઓએ રૂ.63,06,000 ની ઉચાપત કરવામાં એકબીજાને મદદગારી કરી હતી તે અંગેની ફરિયાદ વર્ષ-2012 માં આદિપુર પોલીસ મથકે નોંધાઇ હતી.

આ એટીએમ પ્રકરણમાં ગાંધીધામના ધારાશાસ્ત્રી દિલીપ પી.જોષીની પણ તપાસ કરી રહેલી એટીએસની ટીમે આરોપી તરીકે અટક કરી પુછપરછ કરી હતી. ત્યારબાદ ધારાશાસ્ત્રી દિલીપ જોષી આગોતરા જામીન પર મુક્ત થયા હતા. તેમણે હાલના આ પ્રકરણના આરોપીઓ દિપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રામદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની આગોતરા જામીન મેળવવા તેમના વકીલ તરીકે હાજર થયા હતા. પરંતુ સરકારી વકીલ હિતેષીબેન પી. ગઢવીએ વાંધો લીધો હતો કે, હાલના વકીલ દિલીપ જોષી પોતાના સહ આરોપીઓના વકીલ તરીકે હાજર રહે તે માટે પરવાનગી આપી શકાય નહીં.

રજુઆત અનુસંધાને તેમણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા જજમેન્ટ પર આધાર રાખી તે મુજબ દલીલો કરી હતી. આ દલીલોને માન્ય રાખી ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.જે.પરાશરે દિલીપ પી.જોષીને સહઆરોપી તરફે વકીલ તરીકે હાજર રહી જામીન અરજીમાં રજુઆત કરી શકવા પરવાનગી નહીં આપવાનો હુકમ કર્યો હતો.

Comments