વિકાસ દુબેની ધરપકડ/ મહાકાલ મંદિરમાં બૂમો પાડી- હું વિકાસ દૂબે છું, કાનપુરવાળો; 8 પોલીસ કર્મચારીઓનો હત્યારો 6 દિવસથી ફરાર હતો
કાનપુર શૂટઆઉટ. કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે મહાકાલ મંદિરમાં દર્શન માટે ગયો હતો. ઉતર પ્રદેશ પોલીસની ટીમ તેને છેલ્લા છ દિવસથી શોધી રહી હતી.
એમ કહેવાઈ રહ્યું છે કે મહાકાલ મંદિરની સિક્યુરિટી ટીમે તેને શંકાસ્પદ જાણીને પકડી લીધો હતો. પછી આ અંગે મહાકાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે બીજી તરફ એમ પણ કહેવાઈ રહ્યું છે કે વિકાસ મહાકાલ મંદિર પરિસરમાં પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છું, પછીથી સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પોલીસને માહિતી આપી. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. તેના વિશે કઈ પણ કહેવું યોગ્ય નથી.
7 દિવસમાં વિકાસ દુબે ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરાયું
પોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.
Comments
Post a Comment