જુણામાં પોલીસ ટુકડી પર હુમલાના કેસમાં 20 શખ્સોની ધરપકડ
ભુજ. ભુજ તાલુકાના ખાવડાના જૂણા ગામે રેતી ચોરીના ટ્રેકટર પકડવા મુદે ખાવડા પોલીસની ટીમ પર હુમલો કરાયાના ચકચારી બનાવમાં 36 જણાના નામો જોગ તેમજ 100થી ઉપરના શખ્સના ટોળાં સામે ગુનો નોંધાયો છે. જે પૈકી પોલીસે 20 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.તો,બાકી રહેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે સર્ચ ઓપ્રેશન હાથ ધર્યું છે.
બનાવ સંદર્ભે ખાવડા પીએસઆઇ યુવરાજસિંહ પી.જાડેજાએ 100થી 125 જેટલા લોકોના ટોળા વિરૂધ ગુનો દાખલ કરાવ્યો હતો. બનાવ સોવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ખાવડા પોલીસ મથકના એએસઆઇ નાનજીભાઈ માલસત્તાર, પોલીસ પગી રાયબજી સોઢા, ગ્રામરક્ષક દળના જવાન અબ્દુલ રસીદ સમા, ડ્રાઈવર કેશર પટેલ સહિતના સ્ટાફે જુણા નજીક રોયલ્ટી ભર્યાં વિના રેતી ભરીને જતા એક ટ્રેક્ટર ઝડપ્યું હતું. ટ્રેક્ટરમાં ડ્રાઈવર અને ચારથી પાંચ મજૂરોને રોકી. ટ્રેક્ટરને પોલીસ મથકે લઈ જવાનું કહેતાં આરોપીઓએ ઈન્કાર કર્યો હતો. જેથી આ બાબત ખાવડા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહને ફોનથી જાણ કરાતાં મહિપતસિંહ, માણેક ગઢવી, દિનેશ પટેલ, અગરાભાઈ ચૌધરી ખાનગી વાહનથી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.દરમિયાન આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજીત પોલીસ કર્મચારી અને અધિકારીઓ પર પથ્થરો અને ધોકાથી ઘ હુમલો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું.
આ હુમલામાં આરોપી સુલેમાન સાધક અને હસન હાસમ સાલે ધોકા વડે હુમલો કરતાં ખાવડા પોલીસ મથકના પીએસઆઇ યુવરાજસિંહ પી.જાડેજા અને કોન્સ્ટેબલ મહિપતસિંહ વજુભા વાઘેલા,તથા કોન્સ્ટેબલ માણેકભાઈ રાજીયાભાઈ ગઢવી સહિત ત્રણ જણાઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે સરકારી જીપના ડ્રાઈવર કેશર પટેલને હાથમાં ઈજા થઇ હતી.ખાવડા પોલીસે હુમલાખોર વિરૂધ ગુનો નોંધીને 20 આરોપીને દબોચી લીધા છે.બાકી રહેલા શખ્સોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
જેમના નામ જોગ ફરિયાદ થઇ છે તેમની યાદી
સુલેમાન સાધક સમા, હસન હાસમ સાલે, ઈશા સાધક,સિદ્દીક મલુક, મહંમદ જુસબ, જુસબ મહમદ, પેરાજ મલુક , ઉમર પેરાજ, મામધ્રીન જરાર,,મીઠા મામધ્રીન,મજીદ મામધ્રીન, શકુર ઈસ્માઈલ, આલમ સાલે, હનીફ સાલે, કાસમ ભચા, મુસ્તાક કાસમ, હુસેન સાધક, સાલે હાસમ, રજાક ઈસ્માઈલ, કાસમ જુમા, મીસરી જુમા,અમીન મીસરી, ઈલિયાસ મીસરી, ઓસમાણ ઈશાક સમા, અઝીઝ હમીર સમા, મલુક જીવણ સમા, રહિમાબાઈ સુલેમાન સાધક, મારીયાતબાઈ ઈબ્રાહિમ સમા, સોનબાઈ મામદ સમા, જાકબ મામદ, હાસમ ફુલમામદ, ઈબ્રાહિમ સાધક અસર્રફ, રહિમના , સોયબ સુલેમાન સાધક અને રમજાન ઓસ્માણ નામ જોગ ફરિયાદ ઉપરાંત 100થી 125 જેટલા શખ્સો સામે નોંધાયો છે ગુનો.
આરોપીઓને ઝડપી લેવા છ ટીમો દ્વારા કોંબિંગ : SP સૌરભ તોલંબિયા
પોલીસ ટુકડી પર હુમલા કરનારા આરોપીઓને ઝડપી લેવા પશ્ચિમ કચ્છ પોલીસની અગલ અલગ 6 ટીમ બનાવવામાં આવી છે.પોલીસ ટીમ દ્વારા સઘન કોંબિગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું પોલીસ અધિક્ષક સૌરભ તોલિંબીયાએ જણાવ્યું હતું.


Comments
Post a Comment