13 વર્ષની બાળાને જીવતો વીજ વાયર ભરખી ગયો

ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા કેશર એપાર્ટમેન્ટમાં કપડા સુકવતી વખતે જીવતા વાયરના સંપર્કમાં આવી જતાં ભીડનાકા બહાર સીતારા ચોકમાં રહેતી 13 વર્ષની બાળકીને કરંટ લાગતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કિશોરીના મોતથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

અન્યના ઘરે કામ કરતી બહેન મદદ કરવા ગઇને મોત મળ્યું
જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં હતભાગી કિશોરીના ભાઇ આશીફ રમજુ સોઢાએ એમએલસીમાં નોંધ કરાવી હતી કે, બનાવ મંગળવારે બપોરે સવા બે વાગ્યાના અરસામાં બન્યો હતો. તેમની કાકાઇ બહેન શહેનાઝને અન્યના ઘર કામ કરતી હોઇ કાકાઇ બહેનનું કામ હોવાથી શબાના રમજુ સોઢા (ઉ.વ.13) છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા કેશર એપાર્ટમેન્ટમાં ગઇ હતી. ત્યાં કાકાઇ બહેનને કપડા સુકવવામાં મદદ કરવા માટે ભીનું કપડુ સુકવતી વખતે બાજુમાંથી જતા વીજ વાયરને અડકી જતાં તેને જોડદાર કરંટ લાગ્યો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં હાજર પરના તબીબે ચાર વાગ્યે શબાનાને મૃત જાહેર કરી હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી કરી હતી. શબાનાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Comments