પેટાચૂંટણી મોકૂફ રાખવા અરજી / ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને હાઈકોર્ટની નોટિસ, વધુ સુનાવણી 19મી ઓગસ્ટે



કોરોનાના વધતા જતા કહેરના લીધે વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇર્કોટમાં જાહેરહીતની અરજી કરાઇ હતી. જેની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ કરવામાં આવી છે. અરજદારે રજૂઆત કરી છેકે, હાલની સ્થિતિમાં પેટા ચૂંટણી યોજવી યોગ્ય નથી. ચૂંટણી યોજાશે તો મહામારીના સમયમાં સંક્રમણ વધશે. જે સંદર્ભે હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઇશ્યૂ કરી છે. આ અરજી અંગે વધુ સુનાવણી 19 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

અનેક લોકો કોરોનાનો શિકાર બને તેવું જોખમ
રાધનપુરના સામાજિક કાર્યકર ફરસુ ગોકલાણીએ હાઇર્કોટમાં અરજી કરવામાં આવી છે. તેમા એવી રજૂઆત કરી છે કે, કેન્દ્ર સરકારે 29મી જૂને અનલૉક 2 જાહેર કરીને માર્ગદર્શિકા તૈયાર કરી છે તેમા પણ સામાજીક -રાજકીય મેળાવડા, ધાર્મિક સરઘસો, રેલીઓ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને અનુલક્ષીને કોર્ટે રથયાત્રા પર પણ રોક લગાવી હતી. આ સંજોગોમાં ચૂંટણી યોજાશે તો મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક લોકો કોરોનાનો શિકાર બને તેવું જોખમ છે.

Comments