અમદાવાદ:માણેકચોક ખાણીપીણી બજાર કોર્પોરેશનની જાણ બહાર શરૂ થયું, AMCના ટ્વીટમાં TAKE AWAY કહેવામાં આવ્યું

,
કોરોનાની મહામારીને લઇ લોકડાઉનના કારણે અનેક રોજગાર ધંધા અને ખાણીપીણી બજાર બંધ હતા. અનલોક-3 બાદ હવે અનલોક-4 આવી રહ્યું છે પરંતુ અમદાવાદમાં ખાણીપીણી બજાર શરૂ નથી થયા તેની વચ્ચે પ્રખ્યાત એવું માણેકચોક ખાણીપીણી બજાર કેટલાક વેપારીઓએ મોડી રાતે લારીઓ મૂકી શરૂ કરી દીધું હતું. જે મામલે સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો અપલોડ થયા હતા.
જો કે અમિત પંચાલ નામના યુવકે માણેકચોક ચાલુ થયા અંગે ટ્વીટ કર્યું તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટમાંથી 4 ફોટો રાતે બજાર ચાલુ હોવાના અપલોડ કરવામાં આવ્યા હતા અને જેમાં લખ્યું હતું કે Respected sir, No chair, No seating arrangements. Only take away facilities available આ ટ્વીટ કરવામાં આવતા લોકોમાં માણેકચોક શરૂ થયા અંગે ચર્ચા શરૂ થઈ હતી.


આ મામલે જ્યારે એ તપાસ કરી તો માણેકચોક બજારમાં કોર્પોરેશનએ ચાલુ ન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે જ્યારે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓને પૂછતાં ગોળગોળ જવાબ આપી એકબીજા પર ઢોળતા હતા. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને ખબર નથી તમે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પૂછી લો. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે. મહેતાએ આ મામલે જણાવ્યું હતું કે માણેકચોક બજાર ખુલ્યું નથી અને સોશિયલ મીડિયાના ફોટો જુના હોવાનો દાવો કર્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિશિયલ ટ્વીટર દ્વારા માત્ર ટેક અવે સિસ્ટમ હોવાનું કહેવામાં આવ્યું હતું.

કોર્પોરેશનની એક ટીમ માણેકચોકમાં તપાસ કરવા પહોંચી
માણેકચોક બજાર ચાલુ થઈ ગયા હોવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયુ છે. કોર્પોરેશનની જાણ બહાર લારીઓ મૂકી બજાર શરૂ થઈ જાય છે. જ્યારે કોર્પોરેશનના ઓફિશિયલ ટ્વીટર પરથી પણ ફોટો સાથે માહિતી આપવામાં આવે છે માત્ર ટેક અવેની સુવિધા છે જેથી સ્પષ્ટ જણાય છે કે કોર્પોરેશનમાં સંકલનનો અભાવ છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે

Comments