અમદાવાદમાં હવે પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટર મનફાવે તેમ ભાડાં નહીં લઇ શકે, એપ્લિકેશનથી આપવી પડશે પહોંચ
- AMDA PARK એપ્લિકેશનથી સમગ્ર પે એન્ડ પાર્કનું સંચાલન કરવું પડશે
- નવા પે એન્ડ પાર્ક ટેન્ડરમાં એપ્લિકેશનથી સંચાલન કરવાની શરત મૂકાઈ
અમદાવાદ. શહેરમાં વધી રહેલી વાહનોની સંખ્યાના કારણે પાર્કિંગની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. પાર્કિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ અને બ્રિજની નીચે પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરો હવે વાહનચાલકો પાસેથી પાર્કિંગના મનફાવે તેવા ભાડાં વસુલી ન શે એ માટે નવા પે એન્ડ પાર્ક ટેન્ડર કેટલીક શરતો મૂકાઈ છે, જે મુજબ હવેથી કોન્ટ્રાક્ટરે AMDA PARK નામની એપ્લિકેશન મારફતે સમગ્ર પે એન્ડ પાર્કનું સંચાલન કરવું પડશે.
દક્ષિણ ઝોન માટે ટેન્ડર બહાર પાડ્યું
શહેરના દક્ષિણ ઝોન વિસ્તાર એટલે કે મણીનગર, કાંકરિયા, ઇસનપુર, સીટીએમ અને નારોલમાં 10 પ્લોટ અને નારોલ બ્રિજ નીચે એમ કુલ 11 જગ્યાએ પે-પાર્કિંગ શરૂ કરવામાં આવશે. દક્ષિણ ઝોનમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે નારોલ, ઇસનપુર અને કાંકરિયા સહિતના 10 પ્લોટ અને નારોલ બ્રિજ નીચે વાહન પાર્કિંગનું 6 માસ માટેનું પે એન્ડ પાર્કનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.દક્ષિણ ઝોનમાં પાર્કિંગના ભાડું નક્કી કરાયું
દક્ષિણ ઝોનમાં બહાર પાડવામાં આવેલા ટેન્ડરની શરત મુજબ કોન્ટ્રાક્ટરે પાર્કિંગ કરનાર વાહનમાલિકને AMDA PARK નામની એપ્લિકેશન મારફતે પ્રિન્ટ કરેલી પહોંચ આપવાની રહેશે. પે એન્ડ પાર્કમાં પહેલા 2 કલાક માટે ટુ વ્હીલરના રૂ. 5, ફોર વ્હીલરના રૂ. 30, મીડિયમ ગૂડ્સ વાહનના પહેલા 1 કલાક માટે રૂ. 50 અને બાદમાં 30, ભારે વાહન માટે 1 કલાક માટે રૂ. 75 અને બાદમાં 50 રૂ. ભાડું નક્કી કરવામાં આવ્યું છે.નાગરિકો છેતરાય નહીં એ માટે એપ્લિકેશનનો ઉપયોગ
અત્યારસુધી કોન્ટ્રાક્ટર હાથેથી ભાડું લખેલી પહોંચ વાહનચાલકનો આપતા હતા અને ભાડું વસૂલતા હતા. વાહનચાલકોને ભાડાં અંગે કોઇ જાણ ન હોવાથી તેઓ છેતરાતા હતા, જેથી કોર્પોરેશને હવે ડિજિટલાઈઝેશન કરી એપ્લિકેશન મારફતે પે એન્ડ પાર્ક ચલાવવાનું નક્કી કરી કોન્ટ્રાક્ટરની બેફામ વસૂલી પર લગામ લગાવી છે.
Comments
Post a Comment