અમદાવાદ:કુબેરનગરમાં ધરાશાયી થયેલા બિલ્ડિંગમાં બે યુવક મોત સામે બાથભીડી બચી ગયા, કહ્યું-ગણપતિ બાપાએ બચાવ્યા, 6 કલાક બચાવો...બચાવોની બુમો પાડી રડતા રહ્યા

શહેરના કુબેરનગર રેલવે ફાટક રોડ પર આવેલી પ્રેમમાર્કેટ નામની બિલ્ડીંગનો એક ભાગ ગુરુવારે મોડી રાતે ધરાશાયી થતાં એક યુવકનું દટાઈ જવાથી મોત થયું હતું. જ્યારે બે યુવકોને જીવિત હાલતમાં સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા. જીવિત બચેલા આ બંને યુવકોએ 6 કલાક સુધી પોતાનું મોત નજર સામે જોયું હતું અને ભગવાનને યાદ કરતાં રહ્યા હતાં. બંને યુવક 6 કલાક સુધી મોત સામે બાથભીડીને જીવિત રહ્યા છે. ત્યાર બાદ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ ફાયરબ્રિગેડની ટીમ ભગવાન બનીને તેમને બચાવવા પહોંચી હતી. 6 કલાક કાટમાળ નીચે દબાયેલા રહી જિંદગી સામે જીતનાર બંને યુવક કુણાલ ઉદાણી અને વિજય ચારણ સાથે એ વાતચીત કરી હતી. કૃણાલે જણાવ્યું કે હું ગણપતિ બાપાની મહેરબાનીથી બચ્યો છું.

કૃણાલે કહ્યું કે-મારો ફોન અંદર જ જતો રહ્યો અને સાથે બીજો મિત્ર હતો તેની પાસે ફોન હતો

ફોન અંદર જતો રહ્યો અને 6 કલાક સુધી પાણી પીધા વિના દટાયેલા રહ્યાઃ કૃણાલ
કૃણાલે સાથેની વાતમાં આ 6 કલાક કેવી રીતે પસાર કર્યા તેની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગણપતિ બાપાની મહેરબાનીથી હું બચ્યો છું.જે પણ હતું એ બધું ભગવાન પર જ હતું એમણે અમને બચાવ્યા છે. સામે મોત દેખાઈ રહ્યું હતું. મારે પિતા સાથે વાતચીત કરવી હતી, મેં કહ્યું પરંતુ ફોન ન લગાવ્યો. 6 કલાક સુધી અમે ન પાણી પીધું કે કંઈ જ ખાધું નહિં અને અંદર દટાયેલા રહ્યાં હતાં. મારો ફોન અંદર જ જતો રહ્યો અને સાથે બીજો મિત્ર હતો તેની પાસે ફોન હતો, જેથી જેનો પહેલો નંબર લાગ્યો અને તેણે જાણ કરી કે બિલ્ડીંગ પડી ગઈ છે અમને બચાવો. બાદમાં ફાયરબ્રિગેડ આવ્યું હતું અને અમને બહાર કાઢ્યા હતા.

અમને સામે મોત દેખાઈ ગયું હતું, ભગવાનની મહેરબાનીથી બચ્યા છીએઃ વિજય ચારણ

બિલ્ડિંગ ધરાશાયી થતા જેને લાગો તેનો ફોન કર્યોઃ વિજય ચારણ
વિજય ચારણે જણાવ્યું હતું કે રાતે અમે અમારું કામ કરતા હતા ત્યારે અચાનક જ અમારી તરફ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બાદમાં બધાને જેને લાગ્યો તેને ફોન કર્યો હતો. બધાને જાણ કરતા 108 અને ફાયરબ્રિગેડ આવી ગઈ છે તમને બચાવી લેશે કહ્યું હતું. 6 કલાક સુધી અમે ‘બચાવો બચાવો’ની બુમો પાડી હતી. રડવા લાગ્યા હતા. અમે બુમાબુમ કરી મૂકી હતી અને ફોન પણ કર્યા હતા. ફાયરબ્રિગેડે અમને બહાર કાઢ્યા હતા. અમને સામે મોત દેખાઈ ગયું હતું. ભગવાનની મહેરબાનીથી બચ્યા છીએ.

Comments