અનલોક 4:લગ્નવાંચ્છુકો સાથે પાર્ટિપ્લોટ ઓનર્સ પણ તડામાર તૈયારીમાં, પ્લોટ માટે રોજ 15-20 પૂછપરછ, બુકિંગ પણ થઇ ગયાં

કોવિડ-19ને પગલે લગ્ન્ન પ્રસંગમાં સરકારે આપેલી 50 લોકોની મર્યાદા અનલોક ૪માં વધી રહી હોવાની માહિતીને પગલે લગ્નવાંચ્છુકો અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે આશાની કિરણ ઉદ્ભવી છે. સરકાર લગ્ન સમારંભોમાં વધુ લોકોને આમંત્રિત કરવા પરવાનગી આપે તેમ છે ત્યારે લોકોએ 1200થી 2000 મહેમાનોની ગણતરી સાથે પાર્ટિપ્લોટ પણ બુક કરાવી દીધા છે. જ્યારે રોજની 15-20 ઇન્કવાયરી પ્લોટ ઓનર્સને આવી રહી છે. જો કે લગ્નમાં કોઇપણ હૉલ કે લગ્નસ્થળની ક્ષમતાના 50 ટકા મહેમાનો બોલાવી શકાશે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતાં લોકોમાં ઉત્સાહનો માહોલ બન્યો છે. પ્લોટ ઓનર્સે જણાવ્યું કે, બે જ દિવસમાં લગ્ન્ન માટે પાર્ટી પ્લોટ બુક કરવા ૧૫થી ૨૦ કોલ આવ્યા છે અને બે-ત્રણ બુકિંગ પણ થઈ ચૂક્યા છે. જો કે કોવિડ બાદ ડેકોરેશન અને કેટરીંગમાં ઘણો ફેર જોવા મળનાર છે.


1200 અને 2000 મહેમાનો માટે બે લગ્નના બૂકીંગ થયાં

કોરોનાને કારણે લોકો ઘરમાંજ કે નાના બેકવેન્ટ કે હોટલમાં લગ્ન્ન કે સામાજિક પ્રસંગ કરતા હતાં. કેટલાકે સરકાર છૂટ આપી તેની રાહમાં તારીખ પણ લંબાવી હતી. સમાચાર આવતાં જ લોકોનાં લગ્નનાં બૂકિંગ માટે કોલ માટે આવ્યા છે. બે દિવસમાં 15 કોલ આવ્યા છે. અત્યારે બે બૂકિંગ પણ થઈ ચૂક્યા છે. અમારા પાર્ટી પ્લોટની 5000 વ્યક્તિની ક્ષમતા છે જેમાં બે બૂકિંગ થયા છે. તેમાં 1200 તેમજ અન્યમાં 2000 મહેમાનોનું બૂકિંગ થયું છે. - નિતીન પટેલ, બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ ઓનર
ડેકોરેશનમાં હવે ઝાકઝમાળની જગ્યાએ સાદગી સ્થાન લેશે
લગ્ન્ન સિઝનમાં થોડા સમય પહેલા જ એક ટ્રેન્ડ શરુ થયો હતો. જેમાં ભલે કાર્યક્રમ ઓછા હોય પણ ડેકોરેશન હાઈ-ફાઈ હોવું જોઇએ તેવો અભિગમ લોકોએ રાખ્યો હતો. પણ ડોકોરેશનમાં લોકો હવે આ સ્થિતિમાં સાદગીનો આગ્રહ રાખી રહ્યાં છે. જેથી તેમનું બજેટ પણ સચવાઇ જાય. જો કોઈને ડેકોરેશનમાં કસ્ટમાઈઝેશન જોઇતું હોયતો એક્સ્ટ્રા ચાર્જ લઈને તે કરી આપીશું પરંતુ ઓવરઓલ સાદગીનો ટ્રેન્ડ વધુ રહે તેવો માહોલ છે. -

ભવિષ્યમાં ઉદાર ગાઇડલાઇન આવી શકે છે : કલેક્ટર
અઠવાડિયા પછી દિશાનિર્દેશ અપાશે. લગ્નમાં 50, મરણમાં ૨૦ વ્યક્તિની છુટનો નિયમ જ અમલમાં છે. ભવિષ્યમાં ઉદાર ગાઇડલાઇન પણ આવી શકે તેમ છે, સરકાર બહોળા રાષ્ટ્રહીતને ધ્યાને રાખી નિર્ણય લે છે. સ્થાનિક સ્તરે તંત્ર બહુમુલ્ય જીવનને નજરમાં રાખી નિર્ણય કરે છે. અમદાવાદ જીલ્લા કચેરી સ્થિતિને ધ્યાને રાખી નિર્ણય લેશે. - હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ

અમદાવાદ પોલીસ બધી જ રીતે સુસજ્જ છે : પોલીસ કમિશનર
હાલમાં સામાજિક મેળાવડા અંગેની કોઈ ગાઇડલાઇન અપાઇ નથી. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા દિશાનિર્દેશો આપશે. જેને આધારે રાજ્ય સરકાર પણ દિશાનિર્દેશો આપશે. ધામધૂમથી મેળાવડા, લગ્ન પ્રસંગ અંગે આવનાર સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે. અમદાવાદ પોલીસ બધી જ રીતે સુસજ્જ છે. નવા દિશા નિર્દેશો અનુસાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં નવી છૂટછાટ અંગેનો કોઈ નિર્ણય કરશે. - સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર

Comments