હાલાકી / જૂનાગઢનાં તમામ રસ્તાઓ તૂટી ગયા: દર વર્ષે ચોમાસામાં તૂટતા રસ્તા માટે મહાપાલિકા પાસે કોઇ જ નક્કર આયોજન નથી. શાસકો, એકાદ સારો રસ્તો તો બતાવો...?

મધુરમ રોડની હાલત સૌથી વધુ ખરાબ છે વાહન ચલાવવા મુશ્કેલ બન્યા છે. જ્યારે રાહદારીઓ પણ ચાલી શકતા નથી અને અકસ્માતનો ભય ઉભો થયો છે.

સરકાર રૂપિયા આપેછે, કટકી થવાની છે એની જૂનાગઢવાસીઓને ગળા સુધીની ખાતરી છે પણ અે પછીયે કામ તો સારું કરો

જૂનાગઢ. શહેરમાં કોઇ તો એક સારો રસ્તો બતાવે. જ્યાં ગટરની કામગિરી ચાલુ છે ત્યાં તો માન્યું કે, કાંઇક સારું આયોજન છે. પણ જ્યાં ગટર નથી બનવાની એવા રસ્તા પણ ધોવાવા લાગ્યા ? ડામર જેવું કશું નાંખ્યું છેકે નહીં, કેટલું નાંખ્યું, રસ્તો નિયમ મુજબની ગુણવત્તાવાળો બને છે કે નહીં, એની ખબરખત મનપામાં કોઇ તો રાખો. વાહન ચાલક નહીં તો કમસેકમ 108 માં જતા દર્દીઓની તો ફિકર કરો. પહાડોમાં પણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન રસ્તા બનાવે છે. અહીં કરતાં ક્યાંય વધુ વરસાદ હોય છે.

વળી આર્મીના ભારેખમ વાહનો ત્યાંથી તો પસાર થતા હોય છે. એ બધા ટકે તો શું જૂનાગઢ શહેરમાં રસ્તા ન ટકે ? વળી પાછા દર વખતે ચોક્કસ સ્થળોએજ તૂટતા હોય છે. એનો કોઇ તો ઉપાય હશે ને ? જો ન સૂઝતો હોય તો ધૂળ પડી પાલિકાના બાંધકામ ઇજનેરોના ભણતરમાં. સરકાર અધધ રૂપિયા આપે છે, કટકી થવાની છે એની જૂનાગઢવાસીઓને ગળા સુધીની ખાતરી છે. પણ અે પછીયે કામ તો સારું કરો. રસ્તા બગડે તો ફરીથી બનાવવાની ગ્રાન્ટ મળે અને ફરી કટકી કરી શકાય એવી માનસિકતા જ રાખવાની હોય તો હવે પ્રજાના જેવા નસીબ બીજું શું ?

Comments