અનલોક / રાજ્યભરની હોટેલ-રેસ્ટોરાંમાં પાર્સલ સર્વિસ માટેની સમયમર્યાદા દૂર કરાઈ

 કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 3 માટે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ કન્ટેઇનમેન્ટ સિવાયના વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓને મંજૂરી આપી છે. હવે રાજ્ય સરકારે હોટેલ રેસ્ટોરાં માટે ટેકઅવે એટલે કે પાર્સલ સુવિધા માટે સમયની અવધિ દૂર કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

અનલોક 3 મુજબ કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયું છે, પરંતુ આ સિવાયના વિસ્તારોમાં જીમ, યોગ સેન્ટરોને પણ મંજૂરી અપાઈ છે. દુકાનો માટે રાત્રે 8 વાગ્યાનો અને હોટેલ-રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઈ છે. હવે રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હોટેલ-રેસ્ટોરાં ખુલ્લી રાખવા માટે 10 વાગ્યા સુધીની સમયની અવધિ છે, પરંતુ પાર્સલ સુવિધા માટે સમયમર્યાદા દૂર કરાઈ છે.

ગૃહ વિભાગના આ નિર્ણયથી હોટેલ-રેસ્ટોરાં મોડી રાત સુધી ખુલ્લાં રહી શકશે, પરંતુ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે માત્ર પાર્સલ સર્વિસ માટે જ સમયની અવધિ દૂર કરાઈ છે. લોકો હોટેલ કે રેસ્ટોરાં પરથી જમવાનું પેક કરાવીને ઘરે, ઓફિસ કે અન્ય જગ્યાએ લઈ જઈ શકશે. રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ કે રેસ્ટોરાંમાં બેસીને જમી શકાશે નહીં. જો રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ કે રેસ્ટોરાંમાં બેસીને લોકો જમતા જણાશે કે તેની બહાર ભીડ થતી જણાશે તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં 
હોય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરશે.

સમયમર્યાદા હટવાથી 20% સુધી આવક વધશે
ગુજરાતના હોટેલ રેસ્ટોરાં એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યુ- ટેકઅવેનો બિઝનેસ રાત્રીનો છે. અમારી સરકારને રજૂઆત હતી કે ટેકઅવેના સમયમાં વધારો કરી અપાય તો હોટેલ રેસ્ટોરાંને મોટો ફાયદો થશે. ટેકઅવેની સમયમર્યાદા વધારાતાં હોટેલ ઇન્ડસ્ટ્રીની 15થી 20 ટકા આવક વધશે, કારણ કે મોટા ભાગે યુવાનો રાત્રે કામ કરતા હોય તો તેઓ રાત્રે ટેકઅવે પર ઓર્ડર આપતા હોય છે. હવે ઘણાને રોજગારી પાછી મળશે.

Comments