ઓનલાઇન ફ્રોડ:ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કરતાં પહેલા સાવધ રહેજો, અમદાવાદી યુવકે 1 લાખ ગુમાવ્યા



જો તમે ગૂગલ પરથી કોઇ કસ્ટમર કેરનો નંબર મેળવીને ફોન કરતા હોવ તો થોડાં સાવધ રહેવાની જરૂર છે. ઓનલાઇન ફ્રોડ કરતા ગઠિયાઓ હવે આ રીતે પણ છેતરપિંડી કરી રહ્યાં છે. આ પ્રકારની છેતરપિંડીનો ભોગ અમદાવાદનો યુવક બન્યો છે. ઇસનપુરમાં રહેતા યુવકે એપ્લિકેશન મારફતે બિલ ભર્યું હતું, જોકે પૈસા કપાઈ ગયા હતા પરંતુ બિલ ભરાયું ન હતું. આ માટે યુવકે ગૂગલમાંથી એ એપ્લિકેશનનો નંબર મેળવીને ફોન કર્યો હતો. જેમાં સામેથી જવાબ આપનાર વ્યક્તિએ ઓટીપી માંગી કુલ 1 લાખનું ટ્રાન્ઝેક્શન કરી નાંખ્યું હતું. આ બનાવમાં ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

10 જુલાઈએ મોબિક્વિકથી બિલ ભર્યું હતું
ઇસનપુરના ચામુંડા પાર્કમાં રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા કરણ દેસાઈએ મોબિક્વિક વોલેટ એકાઉન્ટે પોતાના બેન્ક એકાઉન્ટ સાથે જોડેલું છે. 10 જુલાઈએ મોબિક્વિક એપ્લિકેશનથી 2110 રૂપિયાનું લાઇટબિલ ભર્યું હતું. જોકે એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા પરંતુ બિલ ભરાયું ન હતું. એવો મેસેજ પણ આવ્યો હતો કે એક અઠવાડિયામાં પૈસા પરત મળી જશે, પરંતુ રૂપિયા પરત મળ્યા નથી.

ગૂગલમાંથી મોબિક્વિક કસ્ટમર કેરનો નંબર મેળવ્યો
એક અઠવાડિયા પછી પણ પૈસા પરત ન મળતા કરણ દેસાઈએ ગૂગલમાંથી મોબિક્વિક એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. તેમાંથી જે નંબર મળ્યો તેમાં ફોન કરતા સામેથી જવાબ આપતી વ્યક્તિએ મોબિક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં અન્ય મોબાઈલ નંબર પરથી કરણ દેસાઈને ફોન આવ્યો હતો અને એક લિંક મોકલવામાં આવી હતી.

ફોન પર જ બેન્ક ખાતાની માહિતી માગી
અન્ય મોબાઈલમાંથી મોકલવામાં આવેલી લિંક અન્ય કોઇને ફોરવર્ડ કરવા જણાવવામાં આવ્યું હતું અને ફોન પર જ બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી હતી. ગઠિયાઓએ બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી 1 લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પોતે છેતરાયા હોવાની જાણ થતાં કરણ દેસાઈએ ઇનસપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Comments