મધરાત્રે રિલિફ રોડની હોટેલમાં ફિલ્મીઢબે ફાયરિંગઃ ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર

  • રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસનું ઓપરેશનઃ શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું
  • ગોરધન ઝડફિયાની ઈમરાન શેખ નામના શાર્પશૂટરે કમલમમાં લાંબો સમય રેકી કરી હતી, ફરિયાદ પણ કરી
  • સમગ્ર ઓપરેશનમાં DIG અને 2 ACPની ટીમ જોડાઈ હતી, ફરાર આરોપીને પકડવા પોલીસતંત્ર કામે લાગ્યું
  • ગુજરાતમાં અંડરવર્લ્ડને લખતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા અને એટીએસની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.

    રાજકારણીઓ પર હુમલાના ઈરાદે આવ્યા, 2 પિસ્તલ ઝડપાઈઃ હિમાંશુ શુક્લા
    એટીએસના વડા હિમાંશુ શુક્લાએ DivyaBhaskar સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 4:27 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.


પીએસઆઈ નમી ગયા ને શાર્પશૂટરની ગોળી દિવાલમાં ઘૂસી ગઈ
ગત મધ્યરાત્રિએ અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલમાં ફાયરિંગથી ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જ્યારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.

આરોપીનું ગુજરાત કનેક્શન જાણવા પ્રયાસો ચાલુઃ ATS DySP
આ અંગે એટીએસના ડીવાયએસપી કે કે પટેલે જણાવ્યું હતું કે આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો તે જાણી શકાશે. જો કે પ્રાથમિક તબક્કે તો ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય નેતાઓને નિશાન બનાવવા બે જણા આવ્યા હોવાનું મનાય છે.

Comments