જાહેરાત:સંકુલના 15 હજારથી વધુ નળ કનેકશન કાયદેસર થશે , ઝૂંપડપટ્ટીની દરખાસ્ત પર મંજૂરી આપી નળ કનેકશન અપાશે

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે નળ સે જળ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી જાહેરાતના પગલે ગાંધીધામ- આદિપુરમાં અંદાજે 15 હજારથી વધુ નળ કનેકશન કાયદેસર થશે તેવા સંજોગો ઉભા થયા છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીના કનેકશનોને પણ મંજુરી આપવામાં આવશે. જેને લઇને પાલિકાને આવક પણ વધશે સાથે સાથે પાણીના વહનનો ખર્ચ થોડો વધુ ભોગવવો પડે તેવી શક્યતા છે. સંકુલમાં અંદાજે રહેણાંકના 15 હજારથી વધુ નળ કનેકશન જેના બીલ પણ પાલિકા દ્વારા મોકલવામાં આવે છે.

સંકુલમાં વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આગામી 20 વર્ષના આયોજન અંતર્ગત એક બાજુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 30 કરોડથી વધુ રકમના ખર્ચે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં શરૂ થયેલી આ કામગીરી કેટલાક સ્થળો પર તો પૂર્ણ પણ કરી દેવામાં આવી છે. પાણીનું નવું નેટવર્ક ઉભું કરવા વર્ષો જૂની પાઇપલાઇન કાઢીને નવી લાઇન નાખવાની આ કામગીરી પૂર્ણ થતાં જ પાલિકાને ધારણા આપી છે કે, ગેરકાયદેસર લેવામાં આવેલા નળ કનેકશન આપોઆપ નાબૂદ થશે. જાણકારોના મત મુજબ 15 હજારથી વધુ નળ કનેકશન ગેરકાયદેસર છે.

લેવામાં આવેલા આ નળ કનેકશનને કારણે પાલિકાને આવક થતી નથી. બારોબાર જોડાણ લઇ લીધું હોવાથી તેના બીલ પણ બનતાં નથી. હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી અડધા ઇંચના ઘર વપરાશના નળ કનેકશન અંદાજે 500 રૂપિયા લઇને કાયદેસર કરી આપવામાં આવશે. આ જાહેરાતના પગલે ગાંધીધામ- આદિપુરમાં જે લોકોએ ગેરકાયદેસર રીતે કનેકશન લીધા છે તેને ફાયદો થાય તેવી શક્યતા છે. જ્યારે મહત્વની કરવામાં આવેલી જાહેરાત મુજબ ઝૂંપડપટ્ટી વિસ્તારને પણ તેની જરૂરીયાત મુજબ પાણીના કનકેશન આપવા માટે સરકારે જાહેરાત કરી છે.

આ જાહેરાતના પગલે સંકુલની ઝૂંપડપટ્ટીઓને પણ સારો એવો લાભ થશે અને અંદાજે 20 હજારથી વધુ નળ કનેકશન આ ઝૂંપડપટ્ટીમાં આપી શકાય તેવી શક્યતા હાલના તબક્કે જણાઇ રહી છે. અટકેલા મહત્વના વિકાસ કામોને વેગ આપવાથી લઇને અન્ય બીજી સૂચનાઓ પણ સંબંધિત પાલિકાના અધિકારીઓ અને નગરપાલિકાના ઝોન વાઇસ કમિશનરોને વીસી દ્વારા યોજાયેલી મીટિંગમાં મુખ્યમંત્રીએ આપી છે. જેના પગલે આગામી દિવસોમાં સંકુલના વિકાસ કામોને વધુ વેગ મળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે, ભાજપની જ અંદરોઅંદરની ખટપટને કારણે અગાઉ પાંચ કરોડથી વધુ રકમના કામો લાંબા સમયથી અટવાયેલા રહ્યા હતા. જેને લઇને ખુદ ભાજપના જ કેટલાક નગરસેવકોમાં નારાજગી જોવા મળી હતી.

પાલિકાની પાણી સમિતિના ચેરમેન ગોવિંદ નિંજારે ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, સરકારની સૂચના પગલે નળ ગેરકાયદેસર કનેકશન કાયદેસર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઝૂંપડપટ્ટીની પણ આવેલી દરખાસ્ત પર કામગીરી હાથ ધરાશે.

લાઇન નાખતા જ કનેકશન લેવાય છે
ગાંધીધામ- આદિપુરમાં દિવસે દિવસે વિકાસ થઇ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓ બની રહી છે. રહેણાંકની સ્કીમો પણ બની રહી છે ત્યારે બીજી તરફ જે તે વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવામાં આવે છે કે તરત જ નગરપાલિકાની મંજુરી વગર કેટલાક લોકો સીધા મોટી લાઇનમાં નળના જોડાણ લઇ લેતા હોય તેવી ફરિયાદ ઉઠે છે.

રાજકીય રહેમ નજર
સૂત્રોના દાવા મુજબ નગરપાલિકાની લાઇનમાંથી પાણી લેવાના લીધે અવારનવાર મુશ્કેલી ઉભી થતી હોય છે. એકબાજુ નર્મદાનું પાણી ઓછું વધતું આવતું હોવાને લઇને પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે વિવાદ પણ થયા છે જ્યારે સંકુલની કેટલીક પાણીની મોટી લાઇનોમાં રાજકીય આગેવાનોના ઇસારે નળ કનેકશન કેટલાક લઇ લેતા હોય છે તેવો ચણભણાટ પણ ઉઠ્યો હતો.

પાણીનું 50 લાખથી વધુનું બીલ
સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી લેવામાં આવે છે તેનું અંદાજે 50 લાખ જેટલું બીલ મહિનાનું થતું હોય છે. જેમાં પાલિકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે થયેલી વર્ષો જૂની સમજૂતિ અનુસાર 50 ટકા રકમ જ ભરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ કાર્યપ્રણાલીને કારણે પાલિકા ઉપર અંદાજે 70 કરોડથી વધુ રકમનું લેણું પાણી પુરવઠા બોર્ડનું છે. બોર્ડ દ્વારા પાલિકાને અગાઉ નોટિસો પણ અવારનવાર આપી છે પરંતુ પાણીનો સપ્લાય બંધ કરે તો ઉહાપોહ થાય તેને લઇને ફરજીયાત રીતે પાણી આપવું પડે છે.

સંકુલની કઇ ઝૂંપડપટ્ટીને આ લાભ મળશે?
સંકુલમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં તો પાણીના કનેકશન અપાયા જ નથી. જે ઝૂંપડપટ્ટીઓમાં આ નવી સ્કીમનો લાભ મળે તેમાં નવી- જૂની સુંદરપુરી, ભારતનગર, ખોડીયારનગર, કાર્ગો, જીઆઇડીસી-1, 1-એ વગેરે ઝૂંપડપટ્ટીઓનો સમાવેશ થાય છે. આ ઝૂંપડપટ્ટીઓમાં આગામી દિવસોમાં દરખાસ્ત થયા પછી કાયદેસર રીતે નળ કનેકશન આપી શકાય તેવી શક્યતા ઉભી થઇ છે.

પાણીની જરૂરીયાત વધી શકે તેમ છે
વસ્તી વધી રહ્યાની સાથે થઇ રહેલા વિકાસને કારણે પાણીની જરૂરીયાત વધી રહી છે. અંદાજે 45 એમએલડી જેટલું પાણી જોઇશે તો જ પાણી અાપી શકાશે તેવો દાવો સૂત્રો દ્વારા કરાઇ રહ્યો છે. હાલ 32થી 35 એમએલડી પાણી મળી રહ્યું છે. જોકે, પાણીના શિડ્યુલથી લઇને વિતરણ વ્યવસ્થા અને કી મેનની ભૂમિકાને કારણે પણ ઘણા ખરા વિસ્તારોમાં ભર ચોમાસે પાણી મળતું ન હોવાની ફરીયાદો અવારનવાર ઉઠે 

Comments