ખારઇના ગ્રામજનોએ ખનીજ ભરીને જતા 7 વાહન રોકયા, પોલીસે દંડ કર્યો
લખપત તાલુકાના ખારઇ ગામમાંથી ખનીજ ઓવરલોડ ભરી તેમજ તાલપત્રી બાંધ્યા વગર પસાર થતા વાહનોને રોકાવ્યા હતા. ગ્રામજનો રોષે ભરાઇ તમામ વાહનોને અટકાવી કાગળો અને રોયલ્ટી માંગી હોવાનો સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. તો વાયોર પોલીસ ઘટના સ્થળે પહોંચી નિયમના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો હતો.
કચ્છ જિલ્લામાં ખનીજ સંપતી ભરપુર છે જેની સામે ખનીજ માફીયાઓની પણ ભરમાર છે. સરહદીય લખપત અને અબડાસા તાલુકામાં ખનીજ સંપતી વધારે છે. લખપત તાલુકાના ખારઇ ગામે સવારે ઓવરલોડ ખનીજ લઇને જતા વાહનોને ગ્રામજનોએ રોકી લીધા હતા. સાતથી આઠ વાહનો ખનીજથી ઓવરલોડ ભરેલા હતા અને તાલપત્રી કે બાંધેલી દેખાઇ ન હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહન રોકી ડ્રાઇવર પાસેથી રોયલ્ટી, બિલ્ટી કે ખનીજ પરીવહનને લગતા કાગળોની માંગણી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફીયાઓ ભુર્ગભમાં ચાલ્યા ગયા હતા જે પાછળનું કારણ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી હતા. તેમની બદલી થતા અનેક વાતો વહેતી થઇ હતી અને તે સાચી પડતી હોય એમાં નવાઇની વાત નથી.
Comments
Post a Comment