નવાબી કાળની કમાનવાળી ગટર વ્યવસ્થાથી હવે જૂનાગઢ થશે મુક્ત, 320 કરોડના કામોને મંજૂરી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે 319.48 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ 319 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 
   
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની જનતા જનાર્દનની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ યોજના મંજૂર કરીને આપ્યો છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી નવાબી શાસન વખતની કમાનવાળી ગટર વ્યવસ્થા હતી. જૂનાગઢ મહાનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાને અભાવે ઘરો-આવાસોમાં વપરાયેલું ગંદુ પાણી કોઇ જ ટ્રિટમેન્ટ વગર ડાળવા, ઝાંઝરડા, ટીંબાવાડી જેવા કુદરતી વ્હેળાઓમાં ઠલવાતું તેના પરિણામે જમીનનું પ્રદૂષણ ફેલાઇ રહ્યું હતું. 
    

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરની આ સમસ્યાના સુચારૂ હલ રૂપે ખાસ કિસ્સામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત 319 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે ફાળવ્યા છે. હવે, જૂનાગઢ મહાનગરમાં 8 ઝોનમાં 3 એસ.ટી.પી અને 8 પમ્પીંગ સ્ટેશન સહિતની 110.47 કિ.મી.ની લંબાઇની મુખ્ય પાઇપ લાઇન આ યોજના અન્વયે નાખવામાં આવશે. જૂનાગઢ મહાનગરની આગામી ૩૦ વર્ષની વસ્તીની સંખ્યા ધ્યાને લઇને આ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તૈયાર થવાની છે. 
    

મુખ્યમંત્રી એ મંજૂર કરેલી જૂનાગઢની આ ભૂગર્ભ ગટર યોજના તથા STP ના કામો પૂર્ણ થવાથી સાડા ત્રણ લાખથી વધુ લોકોની આરોગ્ય સુખાકારી જળવાશે. એટલું જ નહિ, કુદરતી વ્હેળામાં હાલ વહેતા ગંદા પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. રાજ્યમાં અન્ય 8 મહાનગરોની જેમ જ જૂનાગઢમાં પણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તથા STP સુવિધાનો શહેરીજનોને લાભ મળશે અને શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ થશે.

Comments